કમ્પાલાઃ પૂર્વ યુગાન્ડાના બૂટાલેજા ડિસ્ટ્રિક્ટના અંતરિયાળ ગામ બુગિસાના 68 વર્ષીય રહેવાસી મુસા હાસાહ્યા કાસેરાએ 102 બાળકોના પિતા બન્યા પછી હવે કહ્યું છે કે બસ, બહુ થયું... હવે પોસાતું નથી.
મુસા હાસાહ્યા કાસેરાને 12 પત્નીથી 102 બાળકો જન્મ્યાં છે અને તેમના પણ સંતાનોની સંખ્યા 578 છે. આટલા મોટા પરિવારમાં મુસાને તેના જ બાળકોના નામ યાદ રહેતા નથી ત્યાં ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના નામ યાદ રાખવાની તો વાત જ શી કરવી! મજાની વાત તો એ છે કે તેને ઘણી પત્નીનાં નામ પણ યાદ રહેતા નથી.
મુસા હાસાહ્યા કાસેરાનું કહેવું છે કે ‘પહેલા તો આ રમત લાગતી હતી પરંતુ, હવે પરિવારનું ભરણપોષણ પોસાતું નથી. 12 પત્ની, 102 બાળકો અને 578 ગ્રાન્ડ ચિલ્ડ્રનના વિશાળ પરિવારની સમસ્યાઓ પણ એટલી મોટી છે. મારું આરોગ્ય કથળી રહ્યું છે અને પરિવારના નિભાવ માટે માત્ર બે એકરની જમીન પૂરતી નથી. અનાજ, શિક્ષણ અને વસ્ત્રો જેવી પાયાની જરૂરિયાતો પૂરી ન થતી હોવાથી મારી બે પત્ની તો મને છોડી ગઈ છે.’ મુસાના પરિવારમાં તેના બાળકોની ઉંમર 10થી 50 વર્ષ વચ્ચેની છે અને તેની સૌથી નાની પત્નીની વય 35 વર્ષની છે.
મુસા હાસાહ્યા કાસેરા હાલ બેકાર છે પરંતુ, તેના ગામમાં તેનો વિશાળ પરિવાર ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તે કહે છે કે, ‘મારી પત્નીઓ પરિવારને આગળ વધતો અટકાવવા બર્થ કંટ્રોલ કોન્ટ્રાસેપ્ટિવ્ઝનો ઉપયોગ કરે છે. હું તેમ કરતો નથી. હું વધુ બાળકો ઈચ્છતો નથી કારણ કે હું તેમની સંભાળ લઇ શકતો નથી એટલા બધા બાળકો પેદા કરવાના બેજવાબદાર કાર્યથી હું કશું શીખ્યો છું.’
17 વર્ષની વયે પહેલા લગ્ન
મુસાએ સૌપ્રથમ લગ્ન 1972માં કર્યા હતા અને ત્યારે બંનેની વય 17 વર્ષની હતી. એક વર્ષ પછી પ્રથમ પુત્રી સાન્ડ્રા નેબવાયરનો જન્મ થયો હતો. ભાઈઓ, સગાસંબંધીઓ અને મિત્રોએ પારિવારિક વારસાને આગળ વધારવા વધુ પત્નીઓ કરવા અને વધુ બાળકોને જન્મ આપવાની સલાહ આપી હતી અને મુસા તે માર્ગે આગળ વધતો જ ગયો હતો. યુગાન્ડામાં બાળલગ્નો પર 1995માં પ્રતિબંધ આવ્યો તે પહેલા તો મુસાએ ઘણા લગ્નો કરી લીધા હતા. જોકે, આ ઈસ્ટ આફ્રિકન દેશમાં ઘણી ધાર્મિક પરંપરામાં બહુપત્નીત્વ માન્ય છે.
મુસાને પ્રથમ અને છેલ્લા સંતાનના નામ જ યાદ રહે છે. તેણે પોતાના બાળકોના જન્મની વિગતો જૂની નોટબૂક્સમાં નોંધી રાખી છે. બાળકોને ઓળખવામાં તેમની માતાની મદદ લેવી પડે છે.
મુસાનો 30 વર્ષનો પુત્ર શાબાન માગીનો પ્રાઈમરી સ્કૂલનો શિક્ષક છે અને મુસાને તેની પત્નીઓના નામ કહેવાની મદદ પણ કરે છે. આટલા મોટા પરિવારમાં સમસ્યાઓ પણ ઉભી જાય છે જેનું નિરાકરણ લાવવા મુસા દર મહિને મીટિંગ યોજે છે.
મુસાનો પરિવાર કાટ ખાઈ રહેલા લોખંડના પતરાથી ઢંકાયેલાં લગભગ જીર્ણશીણ ઘરમાં રહે છે અથવા આજુબાજુમાં ઘાસના પૂળાથી ઢંકાયેલી ઝૂંપડીઓમાં રહે છે. જોકે આમ છતાં, બધા ખુશહાલ છે.