સિરસિલ્લાઃ તેલંગણાના રાજજ્ઞા સરસિલ્લા જિલ્લાના મુસ્તાબાદ મંડલના બદનકલ ગામનાં એક મહિલા મલ્લવા છેલ્લા 15 વર્ષથી સામાન્ય ભોજનના બદલે માત્ર ચોકના ટુકડા ખાઇને જીવન ગુજારી રહ્યા છે.
સામાન્ય રીતે, માનવમાત્રને બે શ્રેણીમાં વહેંચવામાં આવે છેઃ પ્રથમ શાકાહારી, જેઓ ભોજનમાં અનાજ, ફળો અને શાકભાજી ખાવાનું પસંદ કરે છે જ્યારે બીજા માંસાહારી કે જેઓ ચિકન, મટન, માછલી અને સી ફૂડ વગેરે ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ વૃદ્ધાની ‘ભોજનશૈલી’ જોઇને ગામના લોકો મૂંઝવણમાં છે કે તેમને કઈ કેટેગરીમાં મૂકવાં જોઈએ.
આ મહિલાના જીવનમાં આ બદલાવ 15 વર્ષ પહેલા આવ્યો હતો. એક વખત તેઓ પોતાના ખેતરમાં કામ કરીને ભોજન માટે ઘરે આવ્યા હતા. તેમણે પોતાની થાળીમાં ખોરાક મૂક્યો અને હજુ તો તેઓ કોળિયો લેવા જતાં હતાં અને તેમને થાળીમાં ઘણા જંતુઓ ફરતાં હોય તેવું દેખાયું અને ખાતાં અટકી ગયાં. આ પછી તેઓ ખાલી પેટે સૂઈ ગયાં અને બીજા દિવસે સવારે જાગીને પોતાની દિનચર્યા શરૂ કરી.
પરંતુ ફરી તેમને એ જ અનુભવ થયો. જ્યારે તેમણે પોતાનું નિયમિત ભોજન કરવાનો પ્રયત્ન કર્યો અને ફરીથી તેમને પ્લેટ જંતુઓથી ભરેલી દેખાઇ અને તેઓ ખાતાં અટકી ગયા. તેમને ભૂખ તો લાગી હતી, પણ ભોજન કરી શકવાની સ્થિતિમાં નહોતાં. આ પછી તેમના હાથમાં ચોકના ટુકડા આવ્યાં અને તેમણે તે ટુકડાઓ ખાઇને કૂવામાંથી પાણી પીને પેટ ભર્યું. બસ તે દિવસથી નિયમિત ખોરાક અને શુદ્ધ કે બોરવેલના પાણીને બદલે ચોકના ટુકડા ખાવાનું અને કૂવાનું પાણી પીવાનું શરૂ કર્યું. ઉલ્લેખનીય છે કે ચોકના ટુકડાઓમાં કેલ્શિયમ, કાર્બન અને ઓક્સિજનનો સમન્વય હોય છે.
હવે મલ્લવા તેના રોજિંદા ભોજન માટે યોગ્ય ચોકના ટુકડા શોધતાં રહે છે. તેઓ કહે છે કે મેં સામાન્ય ખોરાક ખાવાની કોશિશ કરી અને અમુક અંશે રોજિંદો ખોરાક ખાધો પણ ખરો, પરંતુ થોડા જ કલાકોમાં મને પેટમાં દુખાવો થવા લાગ્યો. બસ, આ પછી મેં આહાર લેવાનું બંધ કરી દીઘું. કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા વિના દરરોજ ચોકના ટુકડા ખાઉં છું અને કૂવાનું પાણી પીઉં છું.
નિષ્ણાત ડોક્ટરો પણ મલ્લવાની આ અનોખી ભોજનશૈલી જોઇને આશ્ચર્યચકિત છે. તેમના મતે આ ખૂબ જ દુર્લભ બાબત છે. વેમુલાવાડા સરકારી સેક્ટર હોસ્પિટલના ડો. મહેશ રાવ કહે છે, ‘મેં તો અગાઉ ક્યારેય આવો કિસ્સો જોયો નથી. અમારે અલ્ટ્રાસાઉન્ડ જેવા યોગ્ય પરીક્ષણો વડે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું પડશે. જો તે સ્ત્રીનું જીવન માત્ર ચોક પર ટકી રહ્યું હોય તો તે ચોક્કસપણે એક ચમત્કાર છે.’