નવી દિલ્હી: દાયકાઓ સુધી બ્રિટિશ સરકારના રાજમાં ધૂળ ખાતા પડી રહેલા એક વિન્ટેજ સ્ટીમ રોલરને મ્યુઝિયમમાં સાચવવામાં આવી રહ્યું છે. આ સ્ટીમ રોલર બ્રિટનના લીડ્સ ખાતેની જ્હોન ફાઉલર એન્ડ કંપનીએ તૈયાર કર્યું હતું અને 19મી સદીની મધ્યમાં ભારતમાં હજારો માઇલ લાંબી સડકો તૈયાર કરવા માટે મોકલાયેલા સ્ટીમ રોલર પૈકીનું આ એક રોલર હતું. હાલમાં બિહારના પટણામાં રખાયેલું આ સ્ટીમ રોલર 1920ના દાયકાનું છે.
સ્થાનિક પત્રકાર કુણાલ દત્તા બ્રિટિશ રાજ સમયના વારસાની જાળવણીનું અભિયાન ચલાવી રહ્યા છે. આ સ્ટીમ રોલર પણ તેનો હિસ્સો બન્યું છે. કુણાલ દત્તાના પરદાદીએ આ સ્ટીમ રોલરને કામ કરતાં જોયું છે. આ પહેલાં આ સ્ટીમ રોલર પટણાની કલેક્ટર ઓફિસમાં કાટ ખાતું પડી રહ્યું હતું. પટણા કલેક્ટરની કચેરી 1860ના દાયકામાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા તૈયાર કરાઇ હતી અને પાછળથી તેનો ઉપયોગ બ્રિટિશ અને ભારતની સરકારોએ કર્યો છે.
2016માં રાજ્ય સરકારે આ ઇમારતો તોડીને નવી ઇમારતો તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો હેરિટેજ ગ્રુપ્સ અને ડચ સરકારે વિરોધ કર્યો હતો પરંતુ ભારતની સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ મે મહિનામાં આ ઇમારતો પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરાયું હતું. તે સમયે આ સ્ટીમ રોલરનું ભાવિ પણ અંધકારમય હતું પરંતુ અધિકારીઓએ તેને પટણાના મ્યુઝિયમમાં મૂકી તેની જાળવણી કરવાની મંજૂરી આપી હતી.
સ્થાનિક જિલ્લા બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિન્ટેજ સ્ટીમ રોડ રોલર અદ્દભૂત વારસો છે તેને વર્તમાન અને ભાવિ પેઢી માટે સાચવવું જોઇએ. હાલ ભારતમાં આ પ્રકારના 34 સ્ટીમ રોલર છે, પરંતુ તેમાંથી એક પણ સારી હાલતમાં નથી.