શામલીઃ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કૈરાનાના રહેવાસી અઝીમ મન્સુરીએ હાપુડની બુશરા સાથે ઘરસંસાર માંડ્યો છે. તમે કદાચ કહેશો કે લગ્ન તો હજારો દંપતી કરે છે, આમાં નવીનવાઇનું શું છે? તો તમને કહેવાનું આ લગ્ન અનોખા હતા. 27 વર્ષીય વરરાજા અઝીમની ઉંચાઈ 2.3 ફૂટ છે જ્યારે નવવધૂ બુશરાની ઉંચાઈ માંડ ત્રણ ફૂટ છે.
લગ્ન બાદ નવદંપતી ખુબ જ ખુશખુશાલ દેખાતું હતું. આ નવદંપતીનો વરઘોડો કૈરાનાથી હાપુર સુધી નીકળ્યો હતો અને બંને પરિવારના તમામ સગાં-સંબંધીઓ અને અન્ય લોકોની હાજરીમાં ખૂબ આનંદથી લગ્ન કર્યા. હાપુડના મજીદપુરાની રહેવાસી બુશરા બીકોમનો અભ્યાસ કરે છે. બુશરાએ કહ્યું કે તે અઝીમને ખૂબ પસંદ કરે છે. બુશરા અને અઝીમના લગ્ન ગયા મહિને જ કન્ફર્મ થયા હતા, અને હવે તેમણે વિધિવત્ લગ્ન કર્યા છે.
બુશરાના પરિવારનું કહેવું છે કે આ લગ્ન સામાન્ય લગ્ન કરતા અલગ હતા. અઝીમ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. અમે જાણતા હતા કે નિકાહ જોવા માટે લોકોની ભારે ભીડ થશે અને તે જ રીતે આખા શહેરમાંથી લોકો નિકાહમાં હાજરી આપી હતી. બંનેના લગ્ન જોવા લોકો બુશરાના ઘરે પહોંચી રહ્યા હતા.
આથી બુશરાના પરિવારે જિલ્લા ક્લેક્ટર અને પોલીસ વડાને મળીને આ લગ્ન કોઈ પણ મુશ્કેલી વિના થાય તે માટે સુરક્ષાની માંગ કરી હતી. આ પછી હાપુડ કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સ્પેકટર સંજય પાંડે પોલીસ દળ સાથે લગ્ન પૂરા થયા ત્યાં સુધી ત્યાં હાજર હતા.
મીડિયા સાથે વાત કરતા અઝીમ મન્સૂરીએ કહ્યું, ‘આજે હું લગ્ન કરી રહ્યો છું, તેથી હું ખૂબ જ ખુશ છું.' જયારે પૂછવામાં આવ્યું કે શું તમારી ભાવિ પત્ની બુશરા આગળ ભણવા માંગે છે, તો અઝીમે જવાબ આપ્યો, અમે તેને આગળ ભણાવીશું.
અઝીમને પૂછવામાં આવ્યું કે તમે વડા પ્રધાન, યુપીના મુખ્યમંત્રી અને અખિલેશ યાદવને આમંત્રણ આપવાની વાત કરી હતી. તેના જવાબમાં તેણે કહ્યું કે, મારી દિલથી ઈચ્છા હતી કે આ બધા લોકો મારા લગ્નમાં આવે, પરંતુ મુલાયમ સિંહ યાદવના અવસાનને કારણે અખિલેશને આમંત્રણ મોકલી શકયા નહોતા.