જબલપુર: મહેનત, લગન અને દૃઢ ઇચ્છાશક્તિ કાળા માથાના માનવીને અસંભવથી સંભવ બનાવવાની સિદ્ધિ સુધી પહોંચાડે છે. આ વાતને મધ્ય પ્રદેશના વસતા 56 વર્ષીય રાજકરન્ના બરોઆએ સાચી પુરવાર કરી છે. રાજકરન્ના પાસે ભલે આજે ઘર, કાયમી નોકરી, કુટુંબ કે બચત ન હોય, પરંતુ તેઓ ગર્વથી કહે છે કે મારી પાસે ગણિત સાથે એમએસસી (માસ્ટર ઓફ સાયન્સ)ની ડિગ્રી છે. તેને મેળવવામાં તેને બે-પાંચ નહીં, પરંતુ લગભગ 25 વર્ષ લાગી ગયા છે. તેઓ 23 વખત નાપાસ થયા. તેઓ કહે છે કે એક સિક્યોરિટી ગાર્ડ તરીકે ડબલ શિફ્ટ અને અનેક પડકારો તથા કેટલાય અવરોધો છતાં એમએસસી પાસ કરવાનો જુસ્સો જાળવ્યો ને છેવટે પરીક્ષા પાસ કરી.
રાજકરન્ના કહે છે કે હું બહાર ક્યાંય જઈ શકતો ન હતો કેમ કે મારા માલિક મારું ઉદાહરણ આપીને તેમના બાળકોને શીખ આપતા કે જુઓ આટલી ઉંમરે પણ આ વ્યક્તિ કેટલા જુસ્સાથી ભણે છે. તમે પણ તેને જોઈને ભણો. રાજકરન્ના કહે છે કે મેં હવે તે નોકરી છોડી દીધી છે, તેથી આ વાત કહી શકું છું. 2015માં હું 18મા પ્રયાસમાં નિષ્ફળ ગયો હતો અને હતાશા અનુભવતો હતો. મારા અંગે વારંવાર રિપોર્ટ પ્રકાશિત થતાં લોકોએ મને જુદી રીતે જોવાનું શરૂ કર્યું હતું. ટીવી ચેનલો મને શોધવા લાગી હતી, જે મારા માટે મોટી પ્રેરણા હતી. રાજકરન્ના કહે છે કે મને સિક્યોરિટી ગાર્ડ તરીકે મહિને પાંચ હજાર રૂપિયાનો પગાર મળે છે. હું મારો જીવનગુજારો જ માંડ-માંડ કરી શકું છું. મારું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મેં એમએસસીની ડિગ્રી મેળવવા, પરીક્ષાની ફી અને સંલગ્ન ખર્ચા પાછળ બે લાખ રૂપિયા ખર્ચ્યા છે. મારે ફક્ત આ પરીક્ષા પાસ કરવી હતી અને હું ગણિત સાથે એમએસસી થયેલો કહેવડાવા માંગતો હતો.