મુંબઇ: ઈન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ તેમના પૌત્ર એકાગ્રહને ઇન્ફોસિસના 15 લાખ શેરો ગિફ્ટમાં આપ્યા છે, જેનું મૂલ્ય
રૂ. 240 કરોડ આસપાસ થાય છે. આ સાથે જ માત્ર ચાર માસનો એકાગ્રહ સૌથી નાની વયનો કરોડપતિ બની ગયો છે. નારાયણ મૂર્તિએ તેમની પાસેનાં ઇક્વિટી હોલ્ડિંગમાંથી 15 લાખ શેર એટલે 0.04 ટકા શેર માસ્ટર એકાગ્ર રોહન મૂર્તિને ગિફ્ટમાં આપ્યા છે, જેને પગલે તે ઇન્ફોસિસનો સૌથી નાની વયનો બિલિયોનેર બન્યો છે. ઇન્ફોસિસનાં શેરનાં સોમવારે બંધ રહેલા ભાવ રૂ. 1602.3 પ્રમાણે ગણતરી કરીએ તો ગિફ્ટમાં અપાયેલા શેર્સનું કુલ મૂલ્ય રૂ. 240 કરોડ થાય છે.
એકાગ્રહ નારાયણ મૂર્તિનો ત્રીજો પૌત્ર છે. તેમની પ્રથમ બે પૌત્રી અક્ષતા મૂર્તિ અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનકની પુત્રીઓ છે. પૌત્રને આટલી મોંઘી ગિફ્ટ આપ્યા પછી ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિની ભાગીદારી ઘટીને 0.36 ટકા એટલે કે 1.51 કરોડ શેરોની રહી ગઈ છે. નારાયણ મૂર્તિએ ઈન્ફોસિસમાં 25 વર્ષ સુધી કામ કર્યા પછી ડિસેમ્બર 2021માં નિવૃત્તિ લઈ લીધી હતી.
એકાગ્રહ મૂર્તિનો જન્મ નવેમ્બર 2023માં રોહન મૂર્તિ અને અપર્ણા કૃષ્ણનના ઘેર થયો હતો. એકાગ્રહનું નામ મહાભારતમાં અર્જૂનના ચરિત્રથી પ્રેરિત છે. આ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ થાય છે - અતૂટ ધ્યાન અને દૃઢ સંકલ્પ.
ઈન્ફોસિસનો આરંભ વર્ષ 1981માં ફક્ત 10,000 રૂપિયાના નજીવા રોકાણથી થયો હતો. આ પૈસા સુધા મૂર્તિએ પોતાના પતિને આપ્યા હતા. આજે ઈન્ફોસિસ ભારતની બીજી સૌથી મોટી ટેકનોલોજી કંપની બની ગઈ છે. મૂર્તિ પરિવાર પોતાની સાદગી અને સરળ સ્વભાવને લઈને ચર્ચામાં રહે છે. સુધા મૂર્તિ પ્રખ્યાત લેખિકા હોવા ઉપરાંત અગ્રણી સામાજિક કાર્યકર પણ છે. તેમનો પરિવાર ઇન્ફોસિસ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાકીય કામો કરે છે. તાજેતરમાં સુધા મૂર્તિને રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે.
ગત વર્ષે નારાયણ મૂર્તિએ યુવાનોને સપ્તાહમાં 70 કલાક કામ કરવાની અપીલ કરીને એક તીખી ચર્ચા શરૂ કરી દીધી હતી. એક પોડકાસ્ટ દરમિયાન નારાયણ મૂર્તિએ કહ્યું કે દેશની શિક્ષિત વસ્તી ઓછા ભાગ્યશાળી લોકોના કારણે ખૂબ આકરી મહેનત કરે છે. વિવાદ શરૂ થયા પછી નારાયણ મૂર્તિએ દલીલ કરી હતી કે ખૂબ સારા લોકો અને એનઆરઆઈ તેમના નિવેદન સાથે સહમત છે.