પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના શિવપુરમાં આચાર્ય જગદીશચંદ્ર બોસ બોટનિકલ ગાર્ડનમાં 260 વર્ષ જૂનું અને 273 એકરના ઘેરાવામાં ફેલાયેલું ‘ધ ગ્રેટ બરગદ ટ્રી’ આવેલું છે. આ વિશાળકાય વડલાનું નામ વર્ષ 1984માં સૌથી ઘેઘૂર અને સૌથી વધુ ફેલાયેલા વૃક્ષરૂપે ગિનેસ બુકમાં નોંધાયું હતું. અલબત્ત, હાલ આ રેકોર્ડ બીજા કોઇ વૃક્ષના નામે છે, પણ આ ઘેઘૂર વડલાની વાત કરીએ તો, 18 મી સદીમાં આ વૃક્ષના 89 મુખ્ય મૂળ હતા, જેની સંખ્યા અત્યારે વધીને આશરે 4600 થઇ ગઇ છે. આ વડલાની સારસંભાળ એક બાળકની માફક 11 લોકોની ટીમ દ્વારા લેવાય છે. વૃક્ષને ફંગલ ઇન્ફેક્શનથી બચાવવા તેની નીચેની સપાટીથી 3 ફૂટ ઉપર સુધી એન્ટી ફંગલ પેઇન્ટ લગાવાય છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ નર્મદા નદીના કાંઠે આવેલો અને ‘કબીરવડ’ તરીકે જાણીતો વડલો તેના વિશાળકાળ ઘેરાવા માટે જાણીતો છે.