પુરીઃ ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરનો ખજાનો રવિવારે બપોરે 1:28 વાગ્યે શુભ મૂહુર્તમાં ખોલવામાં આવ્યો હતો. ઓડિશા મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, રત્નભંડાર ગૃહમાં સરકારના પ્રતિનિધિઓ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના અધિકારીઓ અને પુરીના પૂર્વ શાસક પરિવાર ગજપતિ મહારાજના પ્રતિનિધિ સહિત કુલ 11 લોકો હાજર હતા.
પુરી ધામનો ખજાનો છેલ્લે 46 વર્ષ અગાઉ 1978માં ખોલાયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ હવે સરકાર રત્નભંડારમાં રહેલી કિમતી ચીજવસ્તુઓનું ડિજિટલ લિસ્ટિંગ કરશે, જેમાં તેના વજન અને નિર્માણ સહિતની તમામ વિગતો નોંધાશે. એએસઆઇના સુપરિન્ટેન્ડેન્ટ ડી.બી. ગડનાયકે કહ્યું કે એન્જિનિયર્સ રત્નભંડાર ગૃહનો સર્વે કરશે અને જરૂરી સમારકામ કરશે. આ દરમિયાન ખજાનો ભરેલા લાકડાના 6 મોટા પટારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર તળે મંદિર સંકુલમાં જ અન્યત્ર સુરક્ષિત મૂકાયા છે.
સમિતિના સભ્યોએ બપોરે 12 વાગ્યે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇને મંદિરમાં પ્રવેશ કર્યો અને રત્નભંડાર ફરી ખોલવાની મંજૂરી માગવા માટેની પરંપરાગત અગ્નયાની વિધિ કર્યા બાદ રત્નભંડારના દ્વાર ખોલ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રત્નભંડારના બહારના કક્ષની ત્રણ ચાવીઓમાંથી એક ગજપતિ મહારાજ પાસે, બીજી શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશન (SJTA) પાસે અને ત્રીજી એક સેવક પાસે હતી. જોકે આંતરિક કક્ષની ચાવી લાંબા સમયથી ગુમ હતી. આથી કક્ષને નવી ચાવીથી ખોલ્યા બાદ સીલ કરી દેવાયો હતો. હવે જિલ્લા અધિકારીની દેખરેખ હેઠળ નવી ચાવી જિલ્લા કોષાગારમાં રખાશે.
રત્નભંડારમાં શું છે?
રત્નભંડારમાં ભગવાન જગન્નાથને ચઢાવાયેલા સોના અને હીરાના આભૂષણો સચવાયા છે. રત્નભંડારમાં બે કક્ષ છે, આંતરિક કક્ષ અને બાહ્ય કક્ષ. બાહ્ય કક્ષમાં ભગવાન જગન્નાથનો સોનાનો મુગટ અને સોનાના ત્રણ હાર છે, જેનું દરેકનું વજન 120 તોલા છે. રિપોર્ટમાં ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીની સોનાની શ્રીભુજા અને શ્રીપયારનો પણ ઉલ્લેખ છે. આંતરિક કક્ષમાં સોનાના 74 જેટલા આભૂષણો છે, જે દરેકનું વજન 100 તોલાથી વધારે છે. સોના, હીરા, મૂગા અને મોતીઓની બનેલી પ્લેટો પણ સામેલ છે. આ ઉપરાંત ચાંદીના 140થી વધુ આભૂષણો પણ રખાયેલા છે.