રોપડ: પંજાબના રોપડ જિલ્લાના પાંચ વર્ષના ટેણિયા તેગબીર સિંહે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલિમાન્જારો ચઢનાર એશિયાની સૌથી નાની ઉમરની વ્યક્તિ બનવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. આ પર્વત ટાન્ઝાનિયામાં આવેલો છે અને તેના શિખરની ઊંચાઈ 19,340 ફૂટ છે. આની પહેલાં સર્બિયાના પાંચ વર્ષીય ઓગંજેન જિવકોવિકે માઉન્ટ કિલિમાન્જારો ઉપર ચઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેગબીર સિંહે 18 ઓગસ્ટથી માઉન્ટ કિલિમાન્જારો ચઢવાની શરૂઆત કરી હતી અને 23 ઓગસ્ટે ચઢાણ પૂર્ણ કરીને સૌથી ઊંચા શિખર ઉપર પહોંચ્યો હતો. આ ચઢાણ દરમિયાન તેગબીરે ઓક્સિજનની ઊણપને પહોંચી વળવા માટે કસરત અને બ્રિધિંગ ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. નેશનલ સેન્ચ્યુરીના કન્ઝર્વેટિવ કમિશનરે તેગબીરને તેની સિદ્ધિ બદલ માઉન્ટેન ક્લાઇબિંગ સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યો હતો.