ચેન્નઈ, લંડનઃ ભારતીય સભ્યતા અતિ પ્રાચીન હોવા વિશે કોઈ શંકા નથી. વિશ્વની સૌથી પ્રાચીન નગર સંસ્કૃતિઓમાં સિંધુ ખીણ સભ્યતા (Indus Valley Civilization – IVC) અથવા હડપ્પા સંસ્કૃતિનો સમાવેશ થાય છે. સિંધુ ખીણ સભ્યતા 5000 વર્ષ પૂર્વે વર્તમાન વાયવ્ય ભારત અને પાકિસ્તાનમાં સિંધુ નદીના ફળદ્રૂપ મેદાની વિસ્તારોમાં ફૂલીફાલી હતી. વર્ષોના ખોદકામ દરમિયાન આ સભ્યતાના અવશેષો મળ્યા છે જેમાં અત્યાધુનિક કહેવાય તેવા નગર આયોજન અને વેપાર સંરચના નિહાળી વિશ્વ આશ્ચર્યચકિત છે.
સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાં જે લખાણો મળ્યાં તેને સદી વીતી જવા છતાં વિદ્વાનો તેની રહસ્યમય લિપિ હજુ ઉકેલી શક્યા નથી. સિંધુ ખીણ લિપિ અને પ્રાચીન તામિલ માટીના વાસણોમાં નોંધપાત્ર સામ્યતા જોવા મળી હોવાના નવા અભ્યાસના પગલે તામિલનાડુની સ્ટાલિન સરકારે આ રહસ્યમય લિપિના સંકેતો ઓળખી કાઢે તેને 1 મિલિયન ડોલર (આશરે રૂ. 8.6 કરોડ)નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
આશરે 4000 સંકેત-ચિહ્નો અથવા કોતરેલાં લખાણો સાથેની આ ગુઢ લિપિ મુખ્યત્વે સીલ્સ - મુદ્રાઓ, માટીના વાસણો અને તક્તીઓ પર જોવાં મળે છે. મોટા ભાગના લખાણોમાં પાંચથી છ ચિહ્નો છે અને મળેલાં સૌથી મોટા લખાણમાં 34 પ્રતીકો છે. હકીકત છે કે આ લિપિ ટુંકાક્ષરી છે. લાંબા લખાણો કે દ્વિભાષી પુરાવશેષોની ગેરહાજરીમાં સંશોધકોને તેને ઉકેલવામાં મુશ્કેલી નડે છે. બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ સર એલેકઝાન્ડર કનિંગહામ દ્વારા 1875માં શોધાયેલી સિંધુ મુદ્રાએ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચતા સિંધુ ખીણ લિપિ પ્રકાશમાં આવી હતી. આ પછી, તેને પ્રાચીન દ્રાવિડિયન ભાષા, પ્રાચીન ઈન્ડો-આર્યન ભાષાની બ્રાહ્મી લિપિ તેમજ સુમેરિયન ભાષા સાથે સાંકળતા અનેક સિદ્ધાંતો વહેતા થયા હતા પરંતુ, તેને સાર્વત્રિક સ્વીકૃતિ મળી નથી. ભાષાશાસ્ત્ર અને પુરાતત્વશાસ્ત્રીઓ માટે આ ગુઢ લિપિની ભાષા, ઉપયોગ અને અર્થને સમજવાનું હજુ મુશ્કેલ જ રહ્યું છે.
અભ્યાસોએ નિર્દેશ આપ્યો છે કે આ લિપિને તામિલનાડુના પ્રાચીન ભીંતચિત્રો સાથે સંબંધ હોઈ શકે છે. સંશોધકોએ તામિલનાડુના 14,000થી વધુ સિરામિક ઠીકરા સાથે સરખામણી કર્યા પછી 60 ટકા જેટલાં પ્રતીકો કે ચિહ્નોની સિંધુ લખાણ સાથે સામ્યતા હોવાનું તારણ કાઢ્યું છે અને દક્ષિણ ભારત અને ઈન્ડસ વેલી વચ્ચે સંભવિત સાંસ્કૃતિક સંપર્ક હોઈ શકે તેમ સૂચવ્યું છે.
ઈનામની જાહેરાત સાથે જ વિશ્વમાં સિંધુ લિપિ સંદર્ભે કોમ્પ્યુટર વિજ્ઞાનીઓ, એન્જિનીઅર્સ, ભાષાશાસ્ત્રીઓમાં અવનવા દાવાઓ સાથે નવેસરથી રસ જાગ્યો છે. તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના સંશોધકો લખાણની પેટર્ન્સનું વિશ્લેષણ કરવા મશીન લર્નિંગને કામે લગાડી રહ્યાં છે.
આ રહસ્યમય સિંધુ ખીણ લિપિના સંકેતો ઓળખી શકાશે તો અતિ પ્રાચીન સભ્યતાના શાસન-વહીવટ, વેપારની રીતરસમો તેમજ માન્યતા વિશે ભરપૂર માહિતી પ્રાપ્ત થશે. તામિલનાડુ સરકારે જાહેર કરેલું ઈનામ તેની સાંસ્કૃતિક વિરાસતને પ્રકાશમાં લાવવા સાથે તેને ઈતિહાસની સૌથી રહસ્યમય સંસ્કૃતિઓમાં એક સાથે સાંકળવાનો અદ્વિતીય પ્રયાસ પણ કહી શકાય.