ઇમ્ફાલ, તા. 4ઃ મિઝોરમના 78 વર્ષના એક વ્યક્તિએ તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવા માટે ઉંમરને આડે આવવા દીધી નથી. તેમણે માત્ર બાકી અભ્યાસ પૂર્ણ માત્ર શાળામાં એડમિશન જ નથી મેળવ્યું, પણ સ્કૂલ યુનિફોર્મ પહેરીને પુસ્તકોથી ભરેલી થેલી લઇને તેઓ રોજ ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલમાં પહોંચે છે, અને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરે છે.
નોર્થ ઇસ્ટના એક અખબારના હવાલાથી મળતી માહિતી મુજબ, મિઝોરમના ચમ્ફાઇ જિલ્લાના હુઆયકોન ગામના રહેવાસી લાલરીંગથરાની આ વાત અનેક લોકો માટે પ્રેરણાદાયી છે. કહેવાય છે કે કે જ્યાં ચાહ ત્યાં રાહ આ કહેવતને લાલરીંગથરાએ યથાર્થ કર્યું છે.
લાલરીંગથરાએ ગામની રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હાઇસ્કૂલમાં ધોરણ નવમાં એડમિશન લીધું છે. 1945માં ભારત-મ્યાંમાર સીમા નજીક ખુઆંગલેંગ ગામમાં જન્મેલા લાલરીંગથરાને પિતાના મૃત્યુ બાદ બીજા ધોરણ બાદ જ શિક્ષણ છોડવું પડ્યું. તેઓ તેમના માતા-પિતાના એક માત્ર સંતાન હોવાથી નાનપણથી જ તેમને માતાને ખેતીમાં મદદ કરવાની ફરજ પડી. તે સમયે તો સંજોગોએ તેમને અભ્યાસ છોડવા મજબૂર કર્યા હતા, પણ વયના વધવા માટે ઓછા શિક્ષણનો ખાલીપો તેમને સતત કનડતો હતો.
રોજીરોટી માટે એક સ્થળેથી બીજા સ્થળે ફરી ફરીને આખરે તેઓ 1995માં ન્યુ હુઆયકોન ગામમાં સ્થાયી થયા. આજે તેઓ જીવનનિર્વાહ માટે તેઓ પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ગાર્ડ તરીકે કામ કરી રહ્યાં છે.
જોકે ગરીબીને કારણે તેઓ પોતાનો શાળાકીય અભ્યાસ કરી શકયા નહતાં. આથી તેઓ પાછા સ્કૂલ તરફ વળ્યા કારણ કે તેમને પોતાની અંગ્રેજી ભાષા સુધારવી હતી. અંગ્રેજીમાં અરજી કરવી અને દુરદર્શનના સમાચારો સાંભળવા એ તેમનો મૂખ્ય હેતુ હતો. તેઓ મિઝો ભાષામાં લખી શકતા હતાં.
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં લાલરીંગથરાએ જણાવ્યું કે, મને મિઝો ભાષા લખવામાં કે વાંચવામાં કોઇ તકલીફ થતી નથી. જોકે અંગ્રેજી ભાષા શીખવાના મારા શોખને કારણે મારો ભણતર તરફનો ઝૂકાવ વધ્યો. આજકાલ ઘણું સાહિત્ય અંગ્રેજી ભાષામાં જ વાંચવા માટે ઉપલબ્ધ છે. આથી હું અનેકવાર મૂંઝાઇ જઉ છું. આથી મેં મારું નોલેજ વધારવા માટે ફરી સ્કૂલમાં એડમિશન મેળવ્યું છે.