નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને બુલેટ ટ્રેન જેવા સુપરફાસ્ટ સ્પીડના યુગના જમાનામાં ટીવી સમાચારો મહત્ત્વનો સ્ત્રોત હોવા છતાં ગ્રાહકોમાં અખબારો માહિતીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત તરીકે ઊભરી આવ્યા છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના લોકનીતિ પ્રોગ્રામ દ્વારા મીડિયા વપરાશના વર્તનના ભારતવ્યાપી અભ્યાસમાં આ તારણ જાણવા મળ્યું છે.
કોનરાડ એડેનાઉર સાથેની ભાગીદારીમાં કરવામાં આવેલું આ સર્વેક્ષણ પરંપરાગત અને નવા બંને માધ્યમોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું હતું અને તેમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિસા, પંજાબ, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તેમજ 19 રાજ્યના ગ્રામીણ અને શહેરી વસતીના 15 વર્ષથી વધુની ઉંમરના 7,463 નાગરિકોને આવરી લેવામાં આવ્યા છે.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દર 10માંથી 9 સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ત્રણ ચતુર્થાંશ સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સર્ચ એન્જિનનો ઉપયોગ કરે છે. દર 10માંથી 7 સક્રિય ઈન્ટરનેટ વપરાશકર્તાઓ સમાચાર અને વર્તમાન બાબતોની વેબસાઈટ બ્રાઉઝ કરે છે.
છેલ્લા ત્રણેક વર્ષમાં દેશમાં સ્માર્ટ ફોનના વપરાશમાં અનેકગણો વધારો નોંધાયો છે. મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર લોકોની વ્યસ્તતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે, તેમ છતાં પણ જ્યારે વિશ્વસનીય માહિતીની વાત આવે છે ત્યારે લોકો પરંપરાગત અખબારો પર જ ભરોસો મૂકે છે.