મુંબઇઃ મહાનગરને નવી મુંબઇ સાથે જોડતા અટલ સેતુનું નિર્માણ કરીને ભારતીય એન્જનિયરિંગ કૌશલ્યે એક સીમાચિહ્ન અંકિત કર્યું છે. 21 કિમીથી પણ લાંબા આ સિક્સ લેન હાઇવેનો 17 કિમીનો હિસ્સો દરિયામાં છે. મુંબઇ અને નવી મુંબઇનું અંતર કાપતાં અત્યાર સુધી બે કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ પુલ બની જતાં 120 મિનિટની સફર હવે માત્ર 20 મિનિટમાં પૂરી થઇ જશે. આ પુલના નિર્માણથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી મળશે.
વડાપ્રધાન ભારતના સમુદ્ર પરના સૌથી લાંબા બ્રિજ ટ્રાન્સ હાર્બર લિંકને શુક્રવારે ખુલ્લો મુક્યો હતો. સ્વ. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામાભિધાન ધરાવતા આ બ્રિજ પર કદમ માંડયાં બાદ વડાપ્રધાને નવી મુંબઈ ખાતે મહિલા સંમેલનને સંબોધન કર્યું હતું.
કુલ 21,200 કરોડના ખર્ચે બનેલા અટલ સેતુને ખુલ્લો મુકતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ મોદીની ગેરન્ટી છે. અમે જે વિકાસની વાત ઉચ્ચારીએ છીએ તે સાકાર કરીએ છીએ .તેમણે પોતે 2016માં આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો તેની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે આ સાથે રાષ્ટ્રને આપેલી વધુ એક વિકાસકાર્યની બાંહેધરી પૂર્ણ થાય છે.
મુંબઈના શિવડી તથા સેટેલાઈટ ટાઉન નવી મુંબઈના ન્હાવા શેવા ખાતે જોડતો આ બ્રિજ સિક્સ લેનનો છે. તેના કારણે માત્ર મુંબઈથી નવી મુંબઈ જ નહીં પરંતુ પુણે, કોંકણ અને ગોવાનું અંતર પણ ઘટી જશે.
વડાપ્રધાને વિપક્ષ પર આડકતરા પ્રહારો કરતાં કહ્યું હતું કે 2014 પહેલાંનો દેશનો માહોલ યાદ કરો. કૌભાંડો જ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય હતા. હવે પાછલાં દસ વર્ષમાં અમે ચર્ચાનો વિષય જ બદલી નાખ્યો છે. હવે રોજેરોજ દેશમાં કોઈ વિકાસ પ્રોજેક્ટ શરૂ થાય છે કે રાષ્ટ્રને સમર્પિત થાય છે.
તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ડિસેમ્બર 2016માં થયો તે પછી અનેક અવરોધો આવ્યો હતો. કોવિડના સમયગાળાનો પડકાર સૌથી વિકટ હતો, પરંતુ તેમ છતાં પણ દૃઢ નિર્ણયશક્તિ અને મક્કમ ઈચ્છાશક્તિના પ્રતાપે આપણે આ પ્રોજેક્ટ સાકાર કરી લીધો છે.
વડાપ્રધાને આ ઉપરાંત કોલાબાના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતી ભૂગર્ભ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે કુલ 30 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ થયા હતા.
અટલ સેતુ વિશે જાણવા જેવું
17 એફિલ ટાવર બને તેટલું સ્ટીલ વપરાયું
ભારતમાં દરિયા પર બંધાયેલા સૌથી લાંબા સાગરસેતુ મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંકમાં પેરીસના વિખ્યાત એફિલ ટાવર જેવા 17 એફિલ ટાવર જેટલા પોલાદના સળિયા વપરાયા છે. 1.70 લાખ મેટ્રિક ટન સળિયાનો ઉપયોગ.
• અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં વપરાયેલા કોંક્રિટ કરતાં છ ગણા એટલે કે 1.75 લાખ ઘન મીટર કોંક્રિટનો સી-લિંકમાં વપરાશ.
• પૃથ્વીના વ્યાસ કરતાં ચાર ગણાં એટલે કે 48 હજાર કિમીના પ્રિસ્ટેસિંગ વાયરનો દરિયાઈ પુલના બાંધકામનો ઉપયોગ.
• શિવડી-ન્હાવા શેવાને જોડતાં આ 22 કિમી લાંબા સેતુના બાંધકામ પાછળ કુલ ખર્ચ રૂ. 21,200 કરોડ. બીજી રીતે કહીએ તો 1 કિલોમીટરનો ખર્ચ છે રૂ. 1000 કરોડ.
• કોલકાતાના ઐતિહાસિક હાવરા બ્રિજ જેવા ચાર પુલ બાંધી શકાય એટલા સ્ટીલનો અટલ સેતુમાં ઉપયોગ.
• 1500 ઇજનેરો અને 15 હજાર કુશળ કારીગરોના દિવસ-રાત પરિશ્રમથી નિર્માણ.
• મુંબઈ - નવી મુંબઈનું અંતર માત્ર 20 મિનિટમાં પૂર્ણ થશે, હાલ 2 કલાક થતા હતા.
• પુલના ઉપયોગથી દર વર્ષે 1 કરોડ લિટર ઈંધણની બચતનું અનુમાન.
• બ્રિજ પર 400 સીસીટીવી કેમેરા, બ્રિજની આવરદા 100 વર્ષ.
• રોજના 70 હજાર વાહન પસાર થશે, 100 કિમીની ઝડપે વાહન દોડી શકશે.