અટારી ગામના લોકો દિવાળીએ આનંદ નહીં, શોક મનાવે છે

Saturday 25th November 2023 08:52 EST
 
 

નવી દિલ્હીઃ દિવાળી ખુશહાલી અને આનંદને પ્રગટ કરતો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં સદીઓથી પરંપરાગત રીતે દિવાળી તથા તેની સાથે જોડાયેલા તહેવારોની રંગેચંગે ઉજવણી થાય છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા ત્યારે લોકોએ દિવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યુ હતું. આરોગ્યની દૃષ્ટિએ જોઇએ તો, રોગોની માતા ગણાતી શરદ ઋતુનો અંત આવે છે અને હેમંત ઋતુ શરુ થવાની સાથે જ હળવી ઠંડીની શરુઆત થાય છે.
મીઠાઇ, ફટાકડા અને પરસ્પર મિલનનું પ્રતીક ગણાતા દિવાળીના તહેવારને લોકો ભારે ધામધૂમ અને આનંદ-ઉલ્લાસ સાથે ઉજવે છે. જોકે આપ સહુને એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક ગામ એવું છે જે દિવાળીના દિવસે શોક મનાવે છે. તેમના માટે દિવાળી આનંદનો નહીં પરંતુ દુખ પ્રગટ કરવાનો દિવસ છે. આ ગામ છે ઉત્તર પ્રદેશ રાજયના મિરઝાપુર પાસે આવેલું અટારી. અટારી ગામનો સમાવેશ મિરઝાપુર જિલ્લાના મડિહાન તાલુકામાં થાય છે.

અટારી ગામમાં ચૌહાણ સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો રહે છે. તેઓ પોતાને અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ગણાવે છે. ચૌહાણ સમાજના લોકોનું માનવું છે કે દિપાવલીના દિવસે જ મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે વિશ્વાસઘાત અને કપટ કર્યું હતું, જેમાં પૃથ્વીરાજે પોતાનો જીવ ગુમાવવો પડયો હતો.
લોકો આ ઘટનાને યાદ રાખીને ઘરમાં દીપક પ્રગટાવતા નથી એટલે કે દિવાળી ઉજવતા નથી. ગામના વડીલોનું કહેવું છે કે અમારા પૂર્વજ દિવાળી ઉજવતા ન હતા એનું પાલન કરીને અમે પણ ઉજવતા નથી. દિવાળીનો દિવસ ગામ લોકો માટે એક સામાન્ય દિવસ જ હોય છે. જોકે ગામલોકો દિવાળીના બદલે દેવદિવાળીની ઉજવણી કરે છે. દેવદિવાળીએ દિવાઓ પ્રગટાવીને ગામને અજવાળાથી ભરી દે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter