મધુબનીઃ શું તમે જાણો છો કે આપણે જે સ્પોર્ટ્સ શૂઝ પહેરીએ છીએ તેનો 98 ટકા હિસ્સો પ્લાસ્ટિક કંપાઉન્ડમાંથી બનતો હોવાથી માત્ર 1 ટકા જ રિસાઇકલ થઇ શકે છે? પરંતુ ભારતીય સ્ટાર્ટઅપે વિકસાવેલા જૂતાની વાત અલગ છે. તે સંપૂર્ણ બાયો ડિગ્રેડેબલ છે, અને આ ઇકો-ફ્રેન્ડલી જૂતાંને બનાવાયા છે છોડવામાંથી.
ફૂટવેર ડિઝાઇનર રવિ શેખરે તૈયાર કરેલી આ જૂતાંની ડિઝાઇન પ્લાન્ટ બેઝ્ડ છે. એટલે કે તેની બનાવટ છોડમાંથી કરાઇ છે. તેઓ જણાવે છે કે, આ ફૂટવેરને તૈયાર કરવા માટે રિસર્ચ પાછળ સૌથી વધુ સમય લાગ્યો હતો અને તેમાં આઇઆઇટી-ચેન્નઇએ ખૂબ મદદ કરી છે. તેઓએ ડિઝાઇન કરેલા જૂતાંનો ઉપરી ભાગ અનાનસના પાનમાંથી બને છે. સ્પેનમાં તેનું ઉત્પાદન થાય છે. પ્રાકૃતિક રંગો તેમજ ઝીરો ટોક્સિકથી તેને અનેકવિધ રંગો અપાય છે. જૂતાંની રિબન વાંસમાંથી બને છે અને યૂકેલિપ્ટસની લિયનથી જૂતાંની સુંદરતાને વધારવામાં આવે છે. જૂતાંના સોલનો અંદરનો ભાગ કેસ્ટર બીન ઓઇલથી બને છે અને સોલનો બહારનો ભાગ પ્રાકૃતિક રબર અને કોકથી બને છે. ખાંડના ઉત્પાદન બાદ ફેંકી દેવામાં આવતા શેરડીના ભાગમાંથી ફોમ બનાવાય છે. 10 અલગ અલગ દેશોમાં આ સમગ્ર ઉત્પાદન થાય છે.
બિહારના મધુબનીમાં રહેતા રવિએ મોટા ભાઇના સૂચન પર નોઇડાની ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરી પરંતુ તેનું ચિત્ત માત્ર ફેશનની દુનિયામાં જ હતું. રવિએ ઇટલીના મિલાનમાં એસડીએ બોકોની સ્કૂલ ઓફ મેનેજમેન્ટથી ફેશન ડિઝાઇન અને લક્ઝરી મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી. આ પછી દુબઇમાં ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિની કંપની જેવેનની સાથે કેટલાક દિવસ કામ કર્યું. અહીંયા ફૂટવેર નિર્માણમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું. અહીંયાથી જ તેને સમગ્ર રીતે પ્રાકૃતિક સામગ્રીથી જૂતાંની બનાવટ કરવાનો વિચાર આવ્યો.
અંતે મહેનત રંગ લાવી
રવિ શેખરે ૨૦૧૯માં નોકરી છોડી અને રિસર્ચમાં જોડાયા. પોતાના સંપર્કોની મદદથી તેઓએ બ્રાઝીલ, ઓસ્ટ્રિયા, ચીન સહિત અનેક દેશોથી પ્રાકૃતિક સામગ્રીથી જૂતાંના અલગ અલગ હિસ્સા બનાવ્યા. રિસર્ચ પૂર્ણ થયા બાદ માર્ચ ૨૦૨૧માં મિત્ર કનૈયા ઝા સાથે સંયુક્તપણે કંપની ટેરા-એક્સની શરૂઆત કરી.
વેસ્ટમાંથી બેસ્ટ માટે સંશોધન
ટેરા-એક્સના જૂતાં આંતરરાષ્ટ્રીય લેબ ઇન્ટરટેક દ્વારા ટેસ્ટેડ છે. કંપનીએ ઉત્પાદન માટે તાતા ગ્રૂપ સાથે કરાર કર્યા છે. કંપની અન્ય વેસ્ટ મટીરિયલથી જૂતાંની બનાવટ માટે પણ સતત રિસર્ચ કરી રહી છે. અમેરિકા અને યુરોપમાં આ જૂતાં ૩૫૦૦થી ૫૦૦૦ રૂપિયાના ભાવે વેચાય રહ્યા છે. જ્યારે કંપની ભારતના માર્કેટમાં ૧૫૦૦ રૂપિયામાં જૂતાં લોન્ચ કરવાનું વિચારી રહી છે.