ગ્વાલિયરઃ છ મહિના પહેલાં કલ્લો રાનીએ પોતાના માટે જીવનસાથી શોધવાની શરૂઆત કરી હતી. એક મિત્ર ગોપાલ મળ્યો. તેની સાથે પ્રેમ થયો અને તે પ્રેગ્નેન્ટ થઈ. છેવટે ગામલોકોએ વાજતેગાજતે બન્નેને પરણાવી દીધા. પિયર પક્ષે વરરાજાના પરિવારને ૫૧ હજાર રૂપિયાનો ચાંદલો પણ કર્યો. આ લગ્ન પરંપરાગત હતા, પરંતુ આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ પ્રેમકહાની છે એક ઊંટ અને ઊંટડીની. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં ૨૫ હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
શિવપુરના રિન્હાય ગામના નરેશ રઘુવંશી છેલ્લા દસકાથી ઊંટડીને ઉછેરી રહ્યા હતા. નરેશ રઘુવંશી તેના લગ્ન ધામધૂમથી કરાવવા માગતા હતા. આ માટે તેમણે રાજસ્થાનના બૈરાગઢમાં રહેતા લક્ષ્મણ ગુર્જર સાથે સંપર્ક પણ કર્યો હતો. લક્ષ્મણ પાસે ગોપાલ નામનો તરવરિયો ઊંટ હતો. નરેશ અને લક્ષ્મણે વિચાર્યું કે બન્નેને થોડોક સમય સાથે રાખીએ. જો તેમની વચ્ચે મનમેળ થયો હોવાનું લાગશે તો ધામધૂમથી લગનપ્રસંગ પાર પાડશું. નરેશે છ મહિના માટે કલ્લો રાનીને લક્ષ્મણ પાસે મૂકી દીધી. કલ્લો રાનીની ગોપાલ સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી. આ સંબંધમાં તે ગર્ભવતી પણ થઈ ગઈ.
કલ્લો રાની પ્રેગ્નેન્ટ થયા પછી લક્ષ્મણ અને નરેશે નક્કી કર્યું કે બંનેના લગ્ન કરાવી દેવા જોઇએ. લગ્ન રિન્હાય ગામમાં યોજવાનું નક્કી થયું. તેમના લગ્નની કંકોત્રી પણ છપાવવામાં આવી હતી અને ૨૫ હજારથી વધુ લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. લક્ષ્મણ ઊંટ ગોપાલને તૈયાર કરીને જાનૈયાઓ સાથે રિન્હાય ગામે પહોંચ્યો અને ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નમાં જાનૈયાઓએ પણ મન મૂકીને ડાન્સ કર્યો હતો.
આજુબાજુના ગામના લોકો પણ આ અનોખા લગ્નમાં ઉમટી પડ્યા હતા. એક તબક્કે તો ભીડ એટલી બધી જામી હતી કે તેને નિયંત્રણમાં લેવા માટે પોલીસને બોલાવવી પડી હતી. કલ્લો રાની અને ગોપાલે પીપળાના પવિત્ર વૃક્ષની સાક્ષીએ સાત ફેરા પણ લીધા. લગ્ન પછી મહેમાનોએ લિજ્જતદાર ભોજનની મજા માણી.