માળવાઃ દેવાધિદેવ મહાદેવની કૃપા ફક્ત હિંદુઓ કે શિવભક્તો પૂરતી જ મર્યાદિત નથી, જે કોઇ પણ શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે તેના પર પણ તેમની કૃપા ઉતરે છે. ભારતમાં અંગ્રેજોએ કેટલાય વર્ષ શાસન કર્યું હતું અને સેંકડો-હજારો ચર્ચનું નિર્માણ કર્યું હશે. પરંતુ અહીં વાત એક એવા અંગ્રેજ શિવભક્તની છે, જેણે શિવજીના મંદિરનો જિર્ણોદ્ધાર કર્યો હતો. આ અંગ્રેજ શિવભક્ત કઈ રીતે બન્યો તેની કહાણી રસપ્રદ છે. આ વાત ૧૮૮૦ની છે. તે સમયે લેફ્ટનન્ટ કર્નલ માર્ટિનના નેતૃત્વમાં મધ્ય પ્રદેશના માળવામાં આવેલા હિંદુ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો હતો. કર્નલ માર્ટિન ભોલેનાથના મોટા ભક્ત હતા, તેમણે પોતે જ દાવો કર્યો હતો કે અફઘાન યુદ્ધમાં ભગવાન શિવે તેમનો જીવ બચાવ્યો હતો. કર્નલ તે વખત અફઘાન યુદ્ધમાં ફસાયેલા હતા. તેઓ પત્નીને નિયમિત પત્રો લખીને યુદ્ધની પરિસ્થિતિની વિગત આપતા રહ્યા હતા. જોકે આ યુદ્ધ લાંબો સમય ચાલ્યું અને અચાનક જ પત્નીને કર્નલ પતિના પત્રો મળતા બંધ થઈ ગયા. આ બાજુ માળવામાં વસતાં તેમના પત્ની પત્રની રાહમાં ચિંતાતુર હતા. દરમિયાન તેમણે ભગવાન શિવજીનું પૌરાણિક મંદિર જોયું અને ત્યાં ગયા. મંદિરના પૂજારી સમક્ષ પોતાની ચિંતા રજૂ કરી તો તેમણે શિવજીની ઉપાસના કરવાની સલાહ આપી. તેમણે શિવભક્તિ શરૂ કરી અને થોડાક દિવસોમાં તો તેમના પતિ સહીસલામત પરત ફર્યા. આ ઘટના બાદ માર્ટિન દંપતી શિવભક્ત થઈ ગયા અને બૈજનાથ શિવ મંદિરનો રંગેચંગે જિર્ણોદ્ધાર કરાવ્યો. આજે પણ અડીખમ ઉભેલું આ બૈજનાથ મંદિર અંગ્રેજ દંપતીની શિવભક્તિ-આરાધનાની ગવાહી આપી રહ્યું છે.