ઓહિયોઃ અમેરિકાના ઓહિયોમાં એક અનોખો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાને ટેક્સીભાડું ન ચૂકવવાના આરોપસર કોર્ટે ૪૮ કિલોમીટર ચાલવાની સજા સંભળાવી હતી.
ઓહિયોની લેક કાઉન્ટીમાં જજ માઈકલ સિકોનેટીએ મહિલાને આ અનોખી સજા સંભળાવી હતી. તેઓ આ વિસ્તારમાં આવી સજા ફટકારવા માટે જાણીતા છે. અહેવાલ અનુસાર, વિક્ટોરિયા બેસ્કોમે ક્લિવલેન્ડથી પિન્સવિલ જવા માટે એક ટેક્સી બોલાવી હતી. પિન્સવિલ પહોંચ્યા બાદ તે ટેક્સીચાલકને ભાડું ચૂકવ્યા વિના જ ચાલી ગઈ હતી.
ટેક્સીચાલકે ફરિયાદ નોંધાવી. કેસની સુનાવણીમાં વિક્ટોરિયા દોષિત ઠરી અને કોર્ટના જજ માઈકલે તેને સજા માટે બે વિકલ્પો આપ્યા, જેમાં પહેલો વિકલ્પ હતો કે લેક કાઉન્ટીની જેલમાં ૬૦ દિવસ પસાર કરવા. અને બીજો વિકલ્પ હતો - ૪૮ કલાકમાં ૪૮ કિલોમીટર ચાલવું. વિક્ટોરિયાએ ૪૮ કિલોમીટર ચાલવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તે સિવાય તેને યુનાઈટેડ કેબને ૧૦૦ ડોલર દંડપેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો.
જજે વિક્ટોરિયાને પૂછયું કે જો ટેક્સી ના હોત તો તમે શું કર્યું હોત તો? આ સમયે વિક્ટોરિયાએ જવાબ આપતાં કહ્યું કે તે પગપાળા ગઈ હોત. આ જ જવાબને નજરમાં રાખીને જજે તેને કહ્યું કે તો તમે ૪૮ કલાકમાં ૪૮ કિલોમીટર ચાલીને બતાવો.