રોમઃ દુનિયાભરમાં દરરોજ હજારો ટન ખાદ્યસામગ્રી ડસ્ટબીનમાં પધરાવી દેવાય છે. જોકે ઇટલીમાં હવે કોઇ અન્નનો બગાડ નહીં કરી શકે. સરકારે ઘડેલા કાયદા અનુસાર સુપરમાર્કેટ, રેસ્ટોરાં, બારમાં વધેલી ભોજનસામગ્રી જરૂરિયાતમંદ લોકોને અને ચેરિટી સંસ્થાઓને દાન કરી દેવી પડશે. એટલું જ નહીં, જે વ્યક્તિ જેટલી વધારે ખાદ્યસામગ્રીનું દાન કરશે તેને ટેક્સમાં પણ એટલી જ રાહત મળશે. લોકો ખાદ્યસામગ્રીનો બગાડ કરતા અટકે તે માટે પ્રોત્સાહિત પણ કરાશે. જેમ કે, હોટેલ કે રેસ્ટોરાં જેવા સ્થળે ભોજન કરતા લોકોને સરકાર 'ડોગી બેગ' આપશે, જેથી વધેલું ખાવાનું લોકો તેમના ઘરે લઇ
જઇ શકે.
સેનેટમાં રજૂ થયેલા બિલના તરફેણમાં ૧૮૧ સેનેટરોએ મતદાન કર્યું હતું જ્યારે વિરોધમાં માત્ર બે સેનેટરોએ મતદાન કર્યું હતું. આ કાયદો દર વર્ષે થતાં ૫૫ લાખ ટન ખાવાના બગાડને રોકવા માટે ઘડાયો છે. વેડફાઇ જતાં ભોજનની કિંમત ૧૦ બિલિયન ડોલર કરતા વધારે હોવાનો એક અંદાજ છે. કાયદમાં ભોજનસામગ્રીનો બગાડ કરનારને સજા આપવાના સ્થાને ખાવાનું બચાવનારને પ્રોત્સાહિત કરવાને વિશેષ મહત્ત્વ અપાયું છે. આ કાયદા હેઠળ ખાવાનું દાન કરાવા બદલ બિઝનેસમાં ઇન્સેંટિવ્સ અપાશે. ટેક્સમાં પણ છૂટ અપાશે. લોકોએ દર મહિને દાનમાં આપેલા ભોજનની નોંધણી કરાશે. ખેડૂતોને પણ બચેલો સામાન જરૂરિયાત વાળા લોકોને ડોનેટ કરવા બદલ છૂટ મળશે.
આ સિવાય ઇનોવેટિવ રીતે ખાવાનું પહોંચાડવા તથા લોકોને જાગ્રત કરવા બદલ કૃષિ મંત્રાલય દ્વારા એક યૂરોની મદદ આપવામાં આવશે. નવા કાયદા પ્રમાણે હવે રેસ્ટોરાં અને હોટેલમાં કોઇ બીજા દિવસ સુધી ખાવાનું રાખી શકશે નહીં.
સરકાર પણ પેકેજ્ડ ફૂડ વેચવા માટે પ્રોત્સાહન આપશે. લોકોનું કહેવું છે કે ખાવાના બગાડના કારણે દેશમાં બેરોજગારી વધી રહી છે. દેશની સુપ્રીમ કોર્ટે ત્રણ મહિના પહેલા એક ચુકાદામાં કહ્યું હતું કે, કોઇ ભૂખ્યા માણસ દ્વારા થયેલી ભોજનની ચોરીને ગુનાહિત કૃત્ય માનવામાં આવશે નહીં.