અપરિણીતોને બિઝનેસમેનની ઓફરઃ મારી પુત્રીને પરણો ને ૮ કરોડ ડોલર લઇ જાવ

Friday 15th July 2016 06:15 EDT
 
 

બૈજિંગઃ વિશ્વના ફાઇનાન્સિયલ હબ હોંગ કોંગના એક બિઝનેસમેને તેની ૩૪ વર્ષીય સુંદર પુત્રીને પરણવા માટે તૈયાર કોઈ પણ માણસને ૮ કરોડ ડોલર (આશરે રૂ. ૧૨૦૦ કરોડ)ની જંગી રકમ ચૂકવવાની જાહેરાત કરી છે. તમને આ ખબર સાંભળવામાં ભલે સરળ લાગતી હોય, પણ ખરેખર તો તે એક પડકાર છે.
વાત એમ છે કે આ બિલિયોનેરની દીકરી લેસ્બિયન છે અને તે ઘણાં વર્ષોથી અન્ય યુવતી સાથે સંબંધોમાં છે. તે કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરવા તૈયાર નથી. પ્રોપર્ટી ક્ષેત્રના માંધાતા ૭૭ વર્ષીય સેસિલ ચાઓએ અગાઉ પણ તેમની લેસ્બિયન દીકરીને લગ્ન કરવા માટે રાજી કરી દેનાર પુરુષને ચાર કરોડ ડોલરની જંગી રકમ આપવાની જાહેરાત કરી હતી. જોકે આમાં તેમને સફળતા ન મળતાં હવે આ રકમ વધારીને બમણી કરી દીધી છે.
હજારો યોગ્ય કુંવારા પુરુષો બિલિયોનેર ચાઓની પુત્રી ગિગીને લગ્ન માટે મનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ચાઓનો દાવો છે કે ૩૪ વર્ષીય ગિગી હજુ પણ સિંગલ છે. જોકે બીજી બાજુ હકીકત એ છે કે તે તેના લાંબા ગાળા સમયથી પાર્ટનર સીન ઇવ સાથે રિલેશનશીપમાં છે અને તેની સાથે બે વર્ષ અગાઉ લગ્ન પણ કર્યા છે. ચાઓએ જ્યારે ચાર કરોડ ડોલરની ઓફર કરી હતી ત્યારે ૨૦,૦૦૦થી વધુ પુરુષોએ ગિગિને આકર્ષવામાં રસ દર્શાવ્યો હતો. હવે આઠ કરોડ ડોલરનો આંકડો જાહેર થયો છે ત્યારે કેટલા જુવાનિયા ગિગીને પામવાની હોડમાં ઝૂકાવે છે તે જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter