ભોપાલઃ મધ્ય પ્રદેશના ઈંદોરમાં તાજેતરમાં એક અનોખું આયોજન થયું હતું. આ અનોખા આયોજનમાં 60 વર્ષથી લાંબુ લગ્નજીવન ધરાવતા દંપતીઓ ફરી એક વાર લગ્નબંધને બંધાયા હતા. વિશ્વમાં પહેલી વાર યોજાયેલા આ પ્રકારના અનોખા આયોજનમાં 61 દંપતીઓએ રીતિરિવાજ અનુસાર ફરી એક વાર લગ્નની પરંપરા નિભાવી હતી. તેમનો લગ્નોત્સવ બરાબર એ જ રીતે થયો, જે પ્રકારે પહેલી વખત યોજાયો હતો. લગ્નના નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા હતા અને ખજરાના શ્રીગણેશને સૌથી પહેલું નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ લગ્ન સમારંભમાં દેશના આઠ રાજ્યોના એવા યુગલ સામેલ થયા હતા, જેમના લગ્ન 60 વર્ષ પહેલા થઇ ચૂક્યા છે. આમાં ઈન્દોરના 20 યુગલ ઉપરાંત 41 યુગલ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તેલંગણ અને છત્તીસગઢના હતા.
તેમાં સૌથી નાની વયનું કપલ 75 વર્ષનું હતું જ્યારે સૌથી મોટું કપલ 90 વર્ષની ઉંમરનું હતું. ઈન્દોરની ખાનગી હોટેલમાં યોજાયેલા આ મહોત્સવને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા પ્રયાસો હાથ ધરાયા છે. આ આયોજનના મુખ્ય સંયોજક મોહનલાલ બંસલ ખુદ 77 વર્ષના છે. તેમણે જણાવ્યું કે, અમારા લગ્નજીવનને 22 એપ્રિલના રોજ 60 વર્ષ પૂરાં થઈ રહ્યા હતા. આથી પહેલા અમે ઈંડોનેશિયા જવાનું આયોજન કર્યું હતું, પણ દોસ્ત સાથે વાત વાતમાં અમને આ આયોજનનો વિચાર આવ્યો હતો. આ પછી નક્કી થયું કે, એપ્રિલ મહિનામાં લગ્નના 60 વર્ષ પૂરાં કરી રહેલા 60 કપલને આ આયોજનમાં સામેલ કરીએ અને આ પ્રસંગને યાદગાર બનાવીએ.
આમ મોહનલાલ બંસલ અને તેમના પત્ની ચંદ્રકલા બંસલે મળીને 61 કપલને ઉજવણીમાં સામેલ કરીને આ આયોજન હાથ ધર્યું. ઉલ્લેખનીય બાબત તો એ હતી કે આ સમારંભમાં સામેલ થનારા દંપતીઓ પોતાની ચાર પેઢી સાથે આવ્યા હતા. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે છેક હૈદરાબાદથી આવેલા ગોપાલ મોરેએ જણાવ્યું કે, આ પ્રકારના સમારંભનો પ્રચાર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ કરવા જોઈએ.
આયોજન સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે આ અનોખા સમારંભના સમાચાર અમે સિંગાપુર, થાઈલેન્ડ, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુએસ પણ પહોંચાડ્યા હતા. વિદેશમાંથી કેટલાક દંપતી આવવા તત્પર હતા, પણ ઉંમરના કારણે શારીરિક તકલીફ હોવાથી તેઓ આવી શક્યા નહોતા. આ કાર્યક્રમના માધ્યમથી અમે વૃદ્ધોનું સન્માન કરવાનો મેસેજ પણ આપ્યો હતો. તેલંગણથી આવેલા લોકોએ આવો જ સમારંભ દક્ષિણ ભારતમાં યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ અનોખા પ્રોગ્રામ અંતર્ગત 22 એપ્રિલની સાંજે ગીત-સંગીતના રંગારંગ કાર્યક્રમનું આયોજન થયું હતું, જ્યારે 23 એપ્રિલે સવારે પીઠી ચોળવાની વિધિ અને મહેંદીનો કાર્યક્રમ થયો હતો. ત્યાર બાદ વરવધૂને ચાંદીની થાળીમાં સામૂહિક ભોજન પીરસાયું હતું. તમામ યુગલોનો સામૂહિક સન્માન સમારંભ પણ યોજાયો હતો.
આ સમારંભમાં ચાર વિન્ટેજ કાર, 25 બગીઓ અને બે ઘોડાવાળી બે બગ્ગીઓ સામેલ થઈ હતી. આ ઉપરાંત 40 વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઇ હતી, જેથી વૃદ્ધ વરવધૂને કોઈ પણ પરેશાની ન થાય. વરમાળાના સ્ટેજ પર જવા માટે રેમ્પની વ્યવસ્થા પણ કરી હતી, જેથી વ્હીલચેર પહોંચી શકે તો હોટેલ પર એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ ટીમ અને હેલ્પ ડેસ્ક ઉપરાંત ટ્રાન્સપોર્ટ સર્વીસ, તૈયાર થવા માટે સલૂન અને બીજી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં હતી.