લોસ એન્જલસઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ઇડલવાઇલ્ડ શહેરમાં ગોલ્ડન રિટ્રિવર જાતિનો કૂતરો મેક્સ મ્યુલર નવો મેયર બન્યો છે. તેની સાથે બે કૂતરાં માઇકી અને મિટ્ઝી પણ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. મેક્સ મેયર તરીકે પોતાની ગાડીમાં માત્ર શહેરનાં ચક્કર જ નહીં લગાવે પણ રિબિન કાપવાના ફંકશનોમાં ભાગ પણ લેશે. આ અંગે પણ રસપ્રદ કથા છે. વાસ્તવમાં ઇડિલવાઇલ્ડ શહેર કેલિફોર્નિયાનું ઇન્કોર્પોરેટેડ ટાઉન છે. એટલે એવું શહેર જે પ્રાંતના ચાર્ટર પ્રમાણે મ્યુનિસિપાલિટીમાં સામેલ તો છે, પણ ત્યાં અધિકારીઓને ચૂંટણી દ્વારા પસંદ કરાતા નથી. તેથી આ શહેરમાં કોઈ પણ વ્યક્તિ મેયર બની શકતી નથી. આવી પરિસ્થિતિમાં ૨૦૧૨માં એનિમલ રેસ્ક્યૂ ફ્રેન્ડ્સની ટીમે અહીં ચૂંટણી કરાવી જેમાં ૧૪ બિલાડી અને બે કૂતરા ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં મેક્સ મેયર તરીકે ચૂંટાયો છે. ચૂંટણીમાં તમામ લોકોએ એક-એક ડોલરનું દાન પણ આપ્યું હતું, જે રેસ્ક્યૂ ફ્રેન્ડ્સને આપી દેવાયો છે.
મનુષ્ય ચૂંટણી લડી શકતા નથી, પશુઓ ઉમેદવાર હોય છે
મેકેસના માલિક ફિલિપ મ્યૂલરે જણાવ્યું કે અમારા શહેરમાં ચૂંટણી કરાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. માણસ તો ઉમેદવાર તરીકે ઊભા રહેતા નથી, પરંતુ તેના પાલતુ પશુ મેયર બનવા માટે જરૂર ઊભા રહી શકે છે. આ વર્ષે પણ જેમને મેયર અને ડેપ્યુ. મેયર તરીકે પસંદ કરાયા છે, તે ત્રણેય એક બીજાના સંબંધી છે. અમારા નવા મેયર દરરોજ પોતાની ગાડીમાં શહેરના ચક્કર લગાવવાની સાથે જાહેર પ્રોગ્રામોમાં પણ હાજરી આપે છે. તેનું કામ વિશ્વમાં પ્રેમ વહેંચવાનું અને સારાં કામ કરી શ્રેષ્ઠ સ્થાન મેળવવાનું છે. ઇડિલવાઇલ્ડના મેયર અને ડેપ્યુ. મેયર શહેરમાં બહુ લોકપ્રિય છે. ફિલિપે કહ્યું કે આ ત્રણેયમાં મેક્સ વધુ ફ્રેન્ડલી હોવાથી વધારે લોકપ્રિય છે. તે દરેકની સાથે હળીમળી જાય છે. એ જ કારણથી તે મેયર તરીકે ચૂંટાયો છે.