અયોધ્યાઃ ભગવાન રામની નગરી અયોધ્યા દિવાળીની પૂર્વસંધ્યાએ ૫.૫૧ લાખ દીવડાઓથી ઝગમગી ઊઠી હતી. અયોધ્યામાં શનિવારે સાંજે ૧૪ જગ્યાએ ૫.૫૧ લાખ દીવડાઓ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો.
સરયુ ઘાટ પર લેસર શો દ્વારા ભગવાન રામના જીવનને દર્શાવવમાં આવ્યું હતું. અવધ યુનિવર્સિટી સહિત વિવિધ કોલેજોના બાળકોએ અને ૧૪ મઠો-મંદિરોએ આ દીવડાઓ પ્રગટાવીને અયોધ્યાની શાન વધારી દીધી હતી. દીવડાઓની ગણતરી માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડસની ટીમ અયોધ્યા પહોંચી હતી. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમે પ્રગટાવાયેલા દીવડાઓની ગણતરી કરીને સર્ટિફિકેટ આપ્યું હતું. રામનગરીને રામના રંગે રંગવા માટે શાળા-કોલેજના હજારો બાળકોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બાળકોએ ભગવાન રામના જીવન પર આધારિત પેઇન્ટિંગ્સથી અયોધ્યાનો નજારો અલૌકિક બનાવ્યો હતો.
દીપોત્સવ પહેલા ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા અને મુખ્ય પ્રધાન યોગીએ તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.