એમ કહેવાય છે કે વાંદરો ઘરડો ભલે થાય, ગુલાંટ મારવાનું તો ન જ ભૂલે. આ કહેવતમાં જરા પણ અતિશયોક્તિ નથી. માનવ સહિત કોઈ પણ નર જાતિને આ લાગુ પડે છે. સેલેબ્રિટીઝને આ ગુલાંટો મારવાનું પોસાય છે બાકીનાને પોસાતું ન હોવાથી ચલાવે રાખે છે. મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોક 92 વર્ષની વયે ઘોડે ચડી રહ્યા છે. હજુ તો તેમણે પૂર્વ મોડેલ જેોરી હોલને ડાઈવોર્સ આપ્યાને માત્ર આઠ મહિના વીત્યા છે અને તેમણે નવો મેળ પાડી દીધો છે. ફોક્સ કોર્પોરેશનના સહાધ્યક્ષ અને ન્યૂઝ કોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન મર્ડોકે જાહેરાત કરી છે કે તેઓ 66 વર્ષીય વિધવા એન લેસ્લે સ્મિથ સાથે લગ્ન કરવાના છે. જોકે તેમણે, કહ્યું છે કે આ લગ્ન તેમના આખરી લગ્ન બની રહેશે અને તેમ કરવું યોગ્ય રહેશે. કદાચ તેમને લાગ્યું હશે કે આટલી પાકટ ઉમરે શારીરિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવાની ક્ષમતા રહેશે નહિ. જોકે, આ તો મર્ડોક છે. તેઓ ગમે ત્યારે ફરી ગુલાંટ મારી શકે છે. શરીર ભલે સાથ આપતું ન હોય, દિલ તો અભી બચ્ચા હૈ જી!
દેર આયે દુરસ્ત આયેઃ 19 વૃક્ષને બચાવી લેવાયા
પ્લીમથ સિટી સેન્ટરમાં વધુ વૃક્ષો તોડી પાડવા સામે અપાયેલા મનાઈહુકમને લંબાવવામાં કેમ્પેઈનર્સને હાલ પૂરતી સફળતા મળી છે. સેવ ધ ટ્રીઝ ઓફ આર્માડા વે ગ્રૂપને 15 માર્ચે બપોરે 1 વાગ્યે અગાઉની સાંજે શરૂ કરાયેલા સફાઈકામને અટકાવવાનો ઓર્ડર મળી જતાં આનંદ ફેલાયો હતો. જોકે, ત્યાં સુધીમાં તો 129માંથી 19 સિવાયના બાકીના વૃક્ષોને કાપી નખાયા હતા. લંડન હાઈ કોર્ટમાં સુનાવણી વેળાએ મિ. જસ્ટિસ ક્રેન્સ્ટોને સ્પષ્ટ કર્યું હતું કે બાકીના વૃક્ષોને હાલ પૂરતા તો ધરાશાયી કરી શકાશે નહીં. આમ, આ વૃક્ષો તો હાલ બચાવી લેવાયા છે. માનવજાત વૃક્ષો વાવવામાં શૂરી નથી એટલી કાપવામાં ભારે શૂરી રહે છે. વિકાસ માટે વૃક્ષો કદાચ કાપવા પડે પરંતુ, સામે એટલી સંખ્યા કે તેથી વધુ વૃક્ષો વાવવાં જ જોઈએ. હવે તો વૃક્ષોને અન્યત્ર ખસેડી શકાય તેવી ઉપયોગી ટેકનોલોજી પણ હાજર છે, તો વૃક્ષો કાપવા શા માટે જોઈએ?
શંકાસ્પદ શોપલિફ્ટર્સ સાથે પ્રેમભર્યા વર્તનની ટ્રેનિંગ
મોટા ભાગના સુપર માર્કેટ્સ કે મોલ્સમાં માલસામાનની ઉઠાંતરી સામાન્ય સમસ્યા બનવા સાથે મેનેજમેન્ટ માટે શિરદર્દ બની ગઈ છે. વેઈટરોસે શંકાસ્પદ શોપલિફ્ટર્સને ચોરી કરતા અટકાવવા તેમની સાથે સલુકાઈથી વર્તવાનો નિર્ણય લઈ સ્ટાફને તેના માટે ટ્રેનિંગ પણ આપવા માંડી છે. બહારની કન્સલ્ટન્સી ફર્મે સ્ટાફને એટલા મદદરૂપ અને ધ્યાન આપવાની તત્પરતા દર્શાવવાની તાલીમ આપવા માંડી છે. આની પાછળનો વિચાર એ છે કે સ્ટોર્સના કર્મચારીઓ ગ્રાહકો સાથે નરમાશથી વર્તન કરી મદદરૂપ બનશે તો ‘આપ ભલા તો જગ ભલા’ની જેમ શંકાસ્પદ શોપલિફ્ટર ચોરીછુપીથી સામાન બહાર જતા પહેલા બે વખત વિચારશે. વેઈટરોસના બ્રિસ્ટોલ સ્ટોરમાં દર સપ્તાહે 2000 પાઉન્ડના સામાનની ઉઠાંતરી થાય છે. સમગ્ર દેશની વાત કરીએ તો ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા મુજબ સપ્ટેમ્બર સુધી પૂરા થયેલા વર્ષમાં શોપલિફ્ટિંગમાં 22 ટકાનો વધારો થયો હતો. સમગ્ર ઈન્ડસ્ટ્રીને વર્ષે 715 મિલિયન પાઉન્ડની ખોટ સહન કરવી પડે છે તેમ 100થી વધુ સ્ટોર્સે ગત વર્ષે પોલીસ અને ક્રાઈમ કમિશનરોને લખી જણાવ્યું હતું. પોલીસ પણ માને છે કે ગ્રાહકો સાથે સારા વર્તનથી અપરાધ અટકાવી શકાશે
ક્વીનનું કોફિન ઉંચકવા માટે ખાસ શરપાવ
ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું કોફિન ઉંચકનારા આઠ પાલબેરર્સને સ્પેશિયલ ઓનર્સ લિસ્ટમાં સ્થાન આપીને કદર કરાઈ છે. ફર્સ્ટ બટાલિયન ગ્રેનેડિયર ગાર્ડ્સના સભ્યો લાન્સ સાર્જન્ટ એલેક્સ ટર્નર, લાન્સ કોર્પોરલ ટોની ફ્લીન, લાન્સ સાર્જન્ટ એલીઆસ ઓર્લો્વસ્કી, ગાર્ડ્સમેન ફ્લેચર કોક્સ, ગાર્ડ્સમેન જેમ્સ પેટરસન,લાન્સ સાર્જન્ટ રાયન ગ્રીફિથ્સ, ગાર્ડ્સમેન લ્યૂક સિમ્પસન અને ગાર્ડ્સમેન ડેવિડ સેન્ડર્સને ક્વીનના કોફિનને વેસ્ટમિન્સ્ટર એબે અને ત્યાંથી ક્વીનના આખરી આરામસ્થળ વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલ સુધી લઈ જવાની ફરજ બજાવી હતી. ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન, રાજદંડ અને રાજચિહ્નના ગોળા સાથેના ભારેખમ કોફિનને વિન્ડસર કેસલના ચેપલના સીધાં ચઢાણ પર લઈ જવાની કામગીરી ઘણી કપરી હોય છે. ગ્રેનેડિયર ગાર્ડ્સને રોયલ વિક્ટોરિયન મેડલ (સિલ્વર) સાથે બિરદાવાયા છે. રાષ્ટ્રીય શોકના ગાળા દરમિયાન ભજવેલી ભૂમિકાઓ બદલ અનેક શાહી સહાયકો અને લશ્કરી કર્મચારીઓનું સન્માન કરાયું છે.
ફોરેન સેક્રેટરી ક્લેવર્લીએ ઉડાઉડનો વિક્રમ નોંધાવ્યો
થયું એવું કે યુરોપિયન કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ મારોસ સેફોવિક નોર્ધન આયર્લેન્ડમાં બ્રેક્ઝિટ નિયમો સંબંધિત વિન્ડસર ફ્રેમવર્ક સમજૂતી પર હસ્તાક્ષર કરવા વેસ્ટમિન્સ્ટર આવ્યા અને નસીબજોગે તેમની મુલાકાત ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી સાથે થઈ શકી. ફોરેન સેક્રેટરીનો અર્થ જ કદાચ ફોરેનમાં રહેતા સેક્રેટરી એવો થતો હશે. એટલે જ બોરિસ જ્હોન્સન કે લિઝ ટ્રસ જ્યારે આ હોદ્દા પર હતાં ત્યારે વિદેશમાં વધુ દેખાતા હતા. જેમ્સ ક્લેવર્લીએ તેમના હોદ્દાના 200 દિવસમાં નવો વિક્રમ નોંધાવ્યો છે જે તેમને ચાર પુરોગામી - બોરિસ જ્હોન્સન (63,500 માઈલ્સ), જેરેમી હન્ટ (58,000 માઈલ્સ), ડોમિનિક રાબ (45,000) અને લિઝ ટ્રસ (35,000), કરતાં પણ આગળ મૂકે છે. જોકે, લિઝ ટ્રસને લાંબા અંતરના પ્રવાસ એટલાં ગમી ગયા હતા કે તેમણે કુલ 100,000થી વધુ માઈલ્સનો પ્રવાસ ખેડી નખ્યો હતો. ક્લેવર્લીએ સપ્ટેમ્બરમાં હોદ્દો સંભાળ્યા પછી 75,000 માઈલ કરતાં વધુ પ્રવાસ કર્યો છે. તાજેતરના ત્રણ સપ્તાહમાં જ તેઓ સીએરા લિઓન, ફ્રાન્સ, મોલ્દોવા, જ્યોર્જિયા અને કઝાકસ્તાનની મુલાકાતે હતા. તેમણે ભારત, યુએસ, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, જર્મની, ઈજિપ્ત, બહેરિન, યુક્રેન, રોમાનિયા, પોલેન્ડ, કેન્યા, ઈથિયોપિયા અને સ્પેન સહિતના વિસ્તારોને આવરી લીધા છે. ક્લેવર્લીના સહાયકો કહે છે કે આ વિદેશપ્રવાસો સાબિત કરે છે કે યુકેનો સંપર્ક હવે વૈશ્વિક બાબતોમાં આગળ વધતો રહ્યો છે.