ચાન્સેલર હન્ટે બજેટમાં કામ કરનારા પેરન્ટ્સ માટે ચાઈલ્ડકેર બાબતે થોડી રાહતો જાહેર કરી છે જે પૂરતી નથી કારણકે સંતાનોને બાળપણમાં નર્સરીમાં રાખવા અને અભ્યાસ કરાવવા પાછળનો ખર્ચો એટલો વધી ગયો છે કે માતાપિતાએ ઓવરટાઈમ કરવો પડે છે. બાળકના જન્મ સાથે જ તેને નર્સરીમાં રાખવાની જગ્યાઓ બૂક કરાવવી પડે છતાં જગ્યા ન મળે તેવી હાલત થઈ ગઈ છે. દૂરની નર્સરીમાં રાખવાનું થાય તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જાય છે. ઘરમાં જ માતાએ બાળકની કાળજી રાખવી હોય તો નોકરી છોડવી પડે પરંતુ, વર્તમાન આર્થિક કટોકટીની હાલતમાં નોકરી ચાલુ રાખવી જ પડે તેમ છે. ચેરિટી કોરામના જણાવ્યા મુજબ બ્રિટનમાં બે વર્ષથી નાના બાળકને પૂર્ણ સમય નર્સરીમાં રાખવાનો વાર્ષિક ખર્ચ સરેરાશ 14,836. પાઉન્ડ થાય છે. બાળકને પાંચ વર્ષ સુધી નર્સરીમાં રાખવા પાછળ આશરે 70,000 પાઉન્ડ જેટલો ખર્ચ થાય છે તેમાં સરકાર દ્વારા અપાયેલી રાહત ઓછી પડે છે. જાયે તો જાયે કહાં...
‘મદદ’ કરો અને મોટો લાભ મેળવો
બ્રિટિશ સરકારે 20 વર્ષ પહેલાં મકાન નખરીદવા માટે જેની પાસે પૂરતી મૂડી ન હોય અથવા ઓછી મૂડી હોય તેમના માટે ‘હેલ્પ ટુ બાય – Help to Buy’ નામની યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ લઈ હજારો લોકો ઘરમાલિક બની ગયા પરંતુ, વધતી જતી કિંમતોના કારણે 20 ટકા નફો મેળવીને બ્રિટિશ સરકારે પણ 2 મિલિયન પાઉન્ડ જેટલો નફો મેળવી લીધો છે. આને એમ પણ કહેવાય કે ‘આમ કે આમ ઓર ગુઠલીયોં કે ભી દામ’
મરીમસાલાનો આરોગ્યવર્ધક આહાર
કોરોનાકાળમાં બ્રિટિશ નાગરિકોએ વધુ પ્રમાણમાં ચોક્કસ મરીમસાલા અને કાઢા-ઉકાળાનો ઉપયોગ કર્યો હતો. આદુ, લસણ, લવિંગ, કેસર અને કરી પાવડર સહિત મરીમસાલાની આયાતમાં 7 ટકા જેટલો જોરદાર વધારો પણ જોવાયો હતો. મરચાં અને મરીની આયાત 16 ટકા વધી, બીજ ધરાવતા મસાલા જાયફળ અને જાવંત્રી, ઈલાયચી, તજ વગેરેની આયાત પણ 15 ટકા વધી હતી. આતો દેશી મરીમસાલા છે. નુકસાન તો ખાસ કરે નહિ પરંતુ, ‘અતિ સર્વત્ર વર્જયેત’ના હિસાબે યોગ્ય પ્રમાણમાં મરીમસાલા ખાઈએ અને ટનાટન તંદુરસ્તી સાથે જીવન વીતાવીએ.
વર મરો કે વહુ મરો......
બ્રિટનને ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ અને તેમાં પણ ઈંગ્લિશ ચેનલ ઓળંગીને આવતા દેરકાયદે ઈમિગ્રન્ટ્સની સમસ્યા સતાવી રહી છે. દર વર્ષે ચેનલીયા ઈમિગ્રન્ટ્સની સંખ્યા અઠવાડિયે 1000 લોકોને પણ વડાવી જાય છે. આ લોકોને દેશમાં આવતા અટકાવવા કાર્યરત ઈમિગ્રેશન, બોર્ડર ફોર્સ, પાસપોર્ટ ઓફિસ જેવી મહત્ત્વપૂર્ણ કચેરીઓના કર્મચારીઓને વધારાના બોનસ તરીકે કુલ ચાર મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે. જોકે, સમસ્યા તો ઠેરની ઠેર જ રહી છે.
દુઃખે પેટમાં અને કૂટે કપાળ
વડા પ્રધાન રિશિ સુનાકના મતદાર વિસ્તાર રિચમોન્ડમાં તેમનું 2 મિલિયન પાઉન્ડનું વૈભવી નિવાસસ્થાન આવેલું છે. તેમાં ઓપન સ્વીમિંગ પૂલની વ્યવસ્થા છે. તેમાં વપરાતા ઈલેક્ટ્રિક પાવરની કાર્યક્ષમતા વધુ રહે તેના માટે ખર્ચ પણ વધુ કરાયો છે. જેટલો પાવર વધુ વપરાય તેનાથી પ્રદૂષણ પણ વધે. આની સામે ગ્રીન પીસ સંસ્થાના દેખાવકારોએ જાત જાતના વસ્ત્રો પરિધાન કરીને એટલે કે અવનવા વેશ કાઢીને સરઘસ કાઢ્યું હતું. અરે ભાઈ, આમાં લોકોને જાગૃત કરવાના હોય અને ચેરિટી બીગીન્સ એટ હોમની માફક આપણે પણ પ્રદૂષણ ઘટાડવા સક્રિયતા દર્શાવવાની હોય.
સાવચેત રહો અને રોગ અટકાવો
ઈંગ્લેન્ડની હાઈ કોર્ટમાં વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ મોસ્ટિને જાહેર કર્યું છે કે એક વખત તેમના હાથની આંગળીઓને જરા તરા હાલતી જોઈને તેમના દીકરાએ આગ્રહપૂર્વક ન્યૂરોલોજિસ્ટ પાસે તપાસ કરાવવા કહ્યું હતું. હાથપગના ઘણાં અંગઉપાંગોના સ્નાયુઓ અનૈચ્છિક હોય છે અને ઘણા સ્નાયુઓ આપણી ઈચ્છાનુસાર હલનચલન કરતા રહે છે. એટલે આપણી ઈચ્છા વિના અથવા તો સ્વયં શરીરમાં ધ્રૂજારી કે આંગળીઓ હાલવા જેવી સ્થિતિ જોવા મળે તો તત્કાળ તેની તપાસ કરાવવી જોઈએ. પાર્કિન્સન્સ એટલે કે કંપવાત અથવા તો કોઈ પણ પ્રકારના રોગોને ઉગતાં જ ડામી દેવા જોઈએ. જેટલી સાવચેતી વધુ રાખીશું એટલો જ તંદુરસ્તીનો લાભ થશે.
પૂર્વ ફૂટબોલરને તો બેય હાથમાં લાડુ..
સુપ્રસિદ્ધ પ્રોફેશનલ ફૂટબોલર લેસ્ટરના ગેરી વિન્સ્ટન લિનાકરે બીબીસીના માંધાતાઓને નમાવીને વિક્રમ સ્થાપ્યો છે. આ સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટરની મીડિયા કારકિર્દીનો આરંભ પણ બીબીસીનાફ્લેગશિપ કાર્યક્રમ ‘મેચ ઓફ ધ ડે’ દ્વારા જ થયો હતો. ગેરી લિનાકરનો 4.9 મિલિયન પાઉન્ડના ઈન્કમ ટેક્સનો ખટલો વર્ષોથી ચાલી રહ્યો હતો. હવે હાઈ કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે ગેરી બે સંસ્થાનો કર્મચારી હોવાનો ઈન્કમ ટેક્સનો દાવો જ ખોટો છે. તે ફ્રીલાન્સર છે. આમ, ગેરી લિનાકર મહાશયના 4.9 મિલિયન પાઉન્ડ બચી ગયા છે એટલે તેમને તો ‘ફાયદા હી ફાયદા’ છે.
હવે અંધ વ્યક્તિને પણ જગત જોવાની આશા
ડોક્ટરોએ ઈટાલીના 83 વર્ષના અંધ એમિલિઆનો બોસ્કાની એક આંખમાં દૃષ્ટિનો પ્રકાશ પાથરી દીધો છે. બંને આંખોના ટિસ્યુઝને સાંધીને કરેલા ઓપરેશન પછી આ સૌપ્રથમ સફળતા સાંપડી છે જ્યારે બોસ્કાને ઓપરેશન પછી તેની આંગળીઓ અને બે હાથની આઉટલાઈન્સ જોવા મળી હતી. એમિલિઆનો બોસ્કાને 30 વર્ષ પહેલાં તેના રેટિનાને નુકસાન થયા પછી તેણે ડાબી આંખમાં દેખાતું બંધ થઈ ગયું હતું. આના 10 વર્ષ પછી તેની જમણી આંખને પણ અસર થતાં છ વર્ષથી તે સંપૂર્ણપણે અંધ બની ગયા હતા. આ દુર્લભ સ્થિતિ ઓક્યુલર સ્યૂડોએમ્ફિગોઈડ તરીકે ઓળખાય છે. તેના આંખના પારદર્શક પડદાના બે કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા તે પણ નિષ્ફળ નીવડ્યા હતા. સર્જનોએ તેની ડાબી આંખનો ત્રીજો હિસ્સો જમણી આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યો છે જેનાથી તેને ફરી જગતને જોવાની ક્ષમતા પ્રાપ્ત થઈ છે.