નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના અલીપુર રોડ પર જ્યાં ડો. ભીમરાવ આંબેડકરનું દેહાવસન થયું હતું ત્યાં તેમનું અત્યાધુનિક મ્યુઝિયમ ‘ડો. બી. આર. આંબેડકર નેશનલ મેમોરિયલ’ બનીને તૈયાર છે. ૧૪ એપ્રિલે આંબેડકર જયંતીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે.
બહારથી (બંધારણના) પુસ્તક જેવો આકાર ધરાવતા આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે તમે ત્રણ સ્થળે બાબાસાહેબ આંબેડકરને થ્રી-ડીમાં લાઇવ સાંભળી શકશો. તેમાં ડો. આંબેડકરના મૂળ અવાજનું મિક્સિંગ કરાયું છે. એટલું જ નહીં, હરતાંફરતાં બંધારણના પાનાં જોઈ શકાશે, અને ટચ બટનથી આ પાનાં ફેરવી પણ શકાશે.
મુખ્ય દ્વારની નજીક જ ૧૨ ફૂટની પ્રતિમા
મુખ્ય દ્વારથી પ્રવેશ કરતાં જ ડાબી તરફ બોધિવૃક્ષની નીચે ડો. આંબેડકરની ૧૨ ફૂટની પ્રતિમા, ડાબી તરફ દીવાલ પર તેમની ઉક્તિ ‘આપણે પ્રાચીન કાળથી અંત સુધી ભારતીય છીએ’ અંગ્રેજીમાં લખેલી છે. અન્ય દીવાલો પર બંધારણ સભાની બેઠકોની ઝલક જોવા મળશે. ઉલ્લેખનીય છે કે બાબાસાહેબ આંબેડકરની જયંતીને સમરસતા દિવસ ઘોષિત કરાયો છે જ્યારે ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ મનાવાય છે. ૧૫ જનપથ રોડ પર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર પણ બનાવાયું છે.