ચેન્નઇઃ આપણે મંદિરે જઈએ ત્યારે ચંપલ બહાર કાઢીને અંદર પ્રવેશવાની પરંપરા છે એ તો સહુ જાણે છે, પણ તામિલનાડુના આ ગામમાં ધર્મસ્થાન તો શું ગામમાં પ્રવેશતાં પણ જૂતાં-ચપ્પલ પહેરવાની મનાઇ છે. અંદામાન નામના ખોબલા જેવડા ગામમાં પ્રવેશતી વખતે કોઈ પગમાં જૂતાં પહેરતું નથી, અને પહેર્યાં હોય તો કાઢી નાંખે છે. ચેન્નાઈથી ૪૫૦ કિ.મી. દૂર આવેલું આ ગામ બહુ નાનું છે અને અહીં માત્ર ૧૩૦ પરિવારો રહે છે. ગામમાં અબાલવૃદ્ધ સહુ ઉઘાડા પગે જ ફરતા જોવા મળે છે, પણ હાથમાં ચંપલ જરૂર રાખે છે જેથી ગામ બહાર નીકળીને એ પહેરી શકાય.
ગામદેવી મુથિયાલમ્માની પ્રતિમા દાયકાઓથી ગામના દરવાજે આવેલા લીમડાના ઝાડ નીચે બિરાજે છે. દેવીનું સન્માન કરવા લોકો ગામમાં પ્રવેશતાં જૂતાં પહેરાતાં નથી. આ દેવી હજારો વર્ષોથી ગામનું રક્ષણ કરી રહ્યાંની માન્યતા છે અને લોકોમાં તેમના પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. આથી જ ભરતડકે પણ તેઓ ગામમાં પ્રવેશતી વેળાં જૂતાં કાઢી નાંખે છે. વિદેશમાં સ્થાયી વ્યક્તિ પણ જો વતન આવે તો તે પણ અહીં ઉઘાડા પગે ફરતી થઈ જાય છે. લોકો માને છે કે જે વ્યક્તિ આ પ્રણાલીનું માન નથી જાળવતી તે ગંભીર માંદગીનો ભોગ બને છે.