બ્રિટનના સ્ટેફોર્ડશાયરના ૪૬ વર્ષીય મેઇનટેનન્સ એન્જિનિયર માર્ક હાર્પરે ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળીને તેનો એક આગવો ઉપાય કાઢ્યો છે. તેમણે થીમ પાર્કમાં વપરાતી બાળકો માટેની રાઇડ કારમાં જ મશીનરી બેસાડીને પોતાના રોજિંદા પ્રવાસ માટેની કાર બનાવી છે.
હાર્પરે ઇ-બેમાંથી આ થીમ પાર્ક કાર ૪૦૦ પાઉન્ડમાં ખરીદી હતી. ત્યાર બાદ તેમાં સ્કૂટરનું એન્જિન, કેરેવાન બેટરી, એલઇડી લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ બેસાડવા માટે ૨૫૦૦ પાઉન્ડ ખર્ચ્યા અને તેની પોતાની નાનકડી કાર તૈયાર થઈ ગઈ. હવે તે આ કાર લઈને શહેરના રસ્તાઓ પર નીકળે છે અને ટ્રાફિક જામમાંથી સહેલાઇથી માર્ગ કાઢી લે છે. આ કારને ‘બમ્પર કાર‘ નામ આપવામાં આવ્યું છે અને તે રસ્તાઓ પર વપરાતી સામાન્ય કાર નહીં હોવાથી તેના માટે લાયસન્સની પણ જરૂર પડતી નથી. આ કાર મોટી કારની માફક ટ્રાફિક જામમાં ફસાઈ જતી નથી અને તે સહેલાઈથી રસ્તો મેળવી શકે છે. હાર્પર આ કાર લઈને નીકળે છે ત્યારે તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.