નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના છેલ્લા દિવસ પૂર્વે એટલે કે નવમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતાં કેટલાક સાંસદોને લંચ પર લઈ ગયા ત્યારે સાંસદો આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા.
કેન્દ્રીય મંત્રી અને સાંસદ એલ. મુરુગને સંસદ ભવનની કેન્ટિનમાં વડાપ્રધાન મોદી સાથે બેઠેલા આ આઠ સાંસદો માટે ભાત, ખીચડી, પનીર, દાળ, તલ અને રાગીની મીઠાઈની થાળી જમવાને ખૂબ જ ખાસ પ્રસંગ ગણાવ્યો હતો. મંત્રી મુરુગને કહ્યું કે નરેન્દ્ર મોદીએ આ લંચનું બિલ ચૂકવ્યું હતું.
વડાપ્રધાન મોદી સાથે લંચ કરવાનો અવસર બીજુ જનતા દળના નેતા સસ્મિત પાત્રા, આરએસપી નેતા એન.કે. પ્રેમચંદ્રન, ટીડીપીના કે.કે. રામમોહન નાયડુ, બસપાના રિતેશ પાંડે, ભાજપનાં હીનાબહેન ગાવિત, એસ. ફાન્ગનોન કોન્યાક, જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને મેળવ્યો હતો.
સાંસદ એલ. મુરુગને કહ્યું કે તે સમયે બધા આશ્ચર્યચક્તિ અને ખુશ હતા. આ અવસર પર મોદીએ તેમની દિનચર્યા, તેમની કસરતો અને તેમની કરાચી મુલાકાત સહિત તેમની વિદેશ યાત્રાઓ વિશે વાત કરી હતી અને તેમની સાથે 45 મિનિટ વિતાવવાનો મોકો મળ્યો. અમે તેમની પાસેથી ઘણી પ્રેરણાદાયી બાબતો શીખ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ 3.5 કલાક ઊંઘે છે અને સાંજે 6 વાગ્યા પછી ભોજન કરતા નથી.
મુરુગને કહ્યું કે સાંસદો તમામ પક્ષોના હતા અને ભારતના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરતા હતા. પીએમ મોદી અમારી સાથે સામાન્ય વ્યક્તિની જેમ બેઠા હતા, તેઓ વડાપ્રધાનની જેમ ત્યાં બેઠાં ન હતા. અને પછી વડાપ્રધાને બિલ ચૂકવ્યું હતું. હું હજી પણ મારી જાતને તે લાગણીઓથી દૂર કરી શકતો નથી.
એક ખાસ નોંધ સાથે મુરુગને પીએમ મોદી સાથે લંચનો વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું હતુંઃ જીવનની અવિસ્મરણીય ક્ષણ. પીએમ મોદીએ બાદમાં તેમના એક સાથે ભોજનની તસવીરો પોસ્ટ કરતા લખ્યું હતુંઃ અદભૂત લંચનો આનંદ માણ્યો, વિવિધ પક્ષો અને ભારતના વિવિધ ભાગોના સંસદીય સહયોગીઓનો આભાર.