ઓસ્લોઃ ભારતીય જેલોમાં સબડતા કેદીઓને ક્યારેક પાયાની સગવડો મેળવવા માટે પણ ભૂખ હડતાલ જેવા આંદોલન કરવા પડતા હોય છે જ્યારે નોર્વેની કેદીઓની વાત અલગ છે. માનવ અધિકારોના રક્ષણ માટે પ્રખ્યાત નોર્વેની હેલ્ડન જેલના કેદીઓને મળતી લકઝુરિયસ સગવડ પર નજર ફેરવશો તો તમને સ્હેજેય લાગશે કે આ જેલ છે કે મહેલ?
કેદીઓના સ્વર્ગ તરીકે જાણીતી આ જેલમાં કેદીઓને ટીવી, મીની ફ્રીઝ, ફલેટ સ્ક્રીન ટીવી, ડીવીડી, કોમ્પ્યુટર, સ્ટડી અને એકસરસાઇઝ સાધનો મળે છે. કેદીઓની દરેક સેલમાં સળિયા વગરની બારીઓ હોય છે, જેથી કરીને વધુને વધુ સૂર્યપ્રકાશથી જેલ ઝળહળતી રહે છે. કોઇ પણ કેદી તેની કહેવાતી બેરકમાંથી બટન દબાવે કે ૧૦ થી ૧૫ મીનિટમાં કોફીટેબલ પર વસ્તુઓ પુરી પાડવામાં આવે છે. બેસવા માટેના સોફાસેટ અને કોમ્પ્યુટર રૂમ જોઇને તો કોઇ પણ એંગલથી આ જગ્યા જેલ જેવી લાગતી જ નથી.
નવાઇની વાત તો એ છે કે જેલના ચોકકસ વિસ્તારમાં સિગારેટ તથા મનગમતા નોન-આલ્કોહોલિક ડ્રીન્કસની પણ છૂટ મળે છે. કેદીઓને ઇન્ટરનેટ તો વાપરવામાં આવતું નથી, પરંતુ ફલેટ ટીવી સ્ક્રીન પર મનગમતી ૧૫ ચેનલો જોવાની છુટ મળે છે. ડીવીડીથી મનગમતું મ્યુઝિક પણ તેઓ માણી શકે છે.
નોર્વેની આ જેલના સત્તાવાળાઓ માને છે કે આકર્ષક વાતાવરણ જેલના કેદીઓને ગુનાખોરીની વૃતિ ઘટાડે છે. નવાઇની વાત તો એ છે કે ૨૫૦ કેદીઓને સમાવવાની કેપેસિટી ધરાવતી હેડન જેલમાં ૭૫ લોકોની હત્યા કરનારો દુનિયાનો મોસ્ટ ડેન્જરસ અપરાધી લેહરિંગ બ્રિકવિક પણ છે. ઉટોવિયા આઇલેન્ડમાં એક સમર કેમ્પ દરમિયાન માસ મર્ડરને અંજામ આપનારા બ્રિકવિકને ૨૦૧૨માં ઓસ્લોની કોર્ટે ૨૧ વર્ષ જેલની સજા ફટકારી છે. બ્રિકવિક પણ જેલના નિયમો પ્રમાણે લકઝુરિયસ લાઇફ માણે છે. આ હત્યારો ઓર્ડર કરે ત્યારે દરરોજ હોટ કોફી અને ચીઝ લગાનેવી બ્રાઉન બ્રેડ અપાય છે. આ કેદીના ચહેરા પર કોઇ પણ પ્રકારની ચિંતાના ભાવ કે હતાશા જોવા મળતી નથી.