તિરુવનંતપુરમ્ઃ કેરળની રાજધાની તિરુવનંતપુરમના ૮૫ વર્ષના ગોપાલકૃષ્ણન્ સામુદાયિક સદભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના કાર્યાલયના ટેબલ પર શ્રીમદ ભગવદ્ ગીતા, કુર્આન અને બાઈકલ એકસાથે મળી જશે. ધાર્મિક-ઐતિહાસિક ઈમારતોની વાસ્તુકળા પ્રત્યે બાળપણથી તેઓ લાગણી ધરાવતા હતા. તેમણે કેરળમાં અનેક ધાર્મિક ઈમારતોનું નિર્માણ કરાવ્યું છે, તેમાં ૧૧૧ મસ્જિદ, ૪ ચર્ચ અને એક મંદિરનો સમાવેશ થાય છે.
સૌથી વધુ આકર્ષણ પલાયમ જુમા મસ્જિદનું છે. તેના નવનિર્માણ માટે એક ખ્રિસ્તીએ ફન્ડિંગ કર્યું હતું. તેને દુનિયાભરથી લોકો જોવા આવે છે. તેઓ એ જાણવા ઈચ્છતા હોય છે કે કેવી રીતે એક હિન્દુ વ્યક્તિએ ખ્રિસ્તીઓ પાસેથી ફંડ એકત્ર કરીને મસ્જિદનું પુન:નિર્માણ કરાવ્યું છે.
ગોપાલકૃષ્ણન્ કહે છે કે ૧૯૬૨માં તે ઉનાળાના દિવસો હતા. પિતા ગોવિંદન્ કોન્ટ્રાક્ટર હતા. તેમને પલાયમ જુમા મસ્જિદના પુન: નિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. હું દરરોજ તેમની સાથે જતો હતો. મેં નાણાં માટે તત્કાલીન એ.જી. કાર્યાલયના અધિકારી પી. પી. ચુમ્મર સાથે વાત કરી હતી. તેમણે મને ૫૦૦૦ રૂપિયા આપ્યા. એટલું જ નહીં, તેમણે મસ્જિદના પુન: નિર્માણ માટે લોન અપાવવાની પણ વાત કરી હતી.
આ રીતે એક હિન્દુ પરિવારે એક ખ્રિસ્તીએ આપેલા નાણાંનો ઉપયોગ મસ્જિદ બનાવવામાં કર્યો. ગોપાલકૃષ્ણન્ અનુસાર પાંચ વર્ષ બાદ મસ્જિદનું ઉદઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈને કર્યું હતું.
પાદરીએ ચર્ચનો પ્રોજેક્ટ
ગોપાલકૃષ્ણન્ કહે છે કે જ્યારે એક પછી એક ૬૦ મસ્જિદોનું નિર્માણ થઇ ગયું તો મિત્રોએ પૂછ્યું કે ચર્ચ કેમ નથી બનાવતા?! ત્યારે મેં કહ્યું કે જ્યારે લોકો મને કહે છે ત્યારે જ હું ધાર્મિક ઈમારત બનાવું છું. તેના પછી એક પાદરી અને અમુક લોકો મારી ઓફિસે આવ્યા. તેમણે મને જ્યોર્જ ઓર્થોડોક્ટ વલિયા પૈલી ચર્ચ બનાવી આપવા માટે આગ્રહ કર્યો. મેં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. આ રીતે ભાઈચારાનો વિચાર મજબૂત થયો.