મુંબઇ: શું અઢી વર્ષનું બાળક બે દિવસમાં જ આખી એબીસીડી અને 10 સુધીના આંકડા યાદ રાખી શકે? શું તે એક જ વખત વાંચીને ગાણિતિક સૂત્રોને યાદ રાખી શકે? શું આઠ વર્ષની ઉમર સુધીમાં 50 ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવી શકે છે? આમાંથી મોટા ભાગના પ્રશ્નનો જવાબ ‘ના’ જ હોવાનો, પરંતુ મુંબઈના અંધેરીમાં રહેતા ડો. પૂર્વાંશ અરોરાએ આ તમામ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.
તાજેતરમાં તેણે TEDx જેવા ફોરવર્ડ થિંકિંગ પ્લેટફોર્મ પર પોતાની જાતને વ્યક્ત કરી છે. પૂર્વાંશની ફોર્મ્યુલા યાદ રાખવાની અને ઘડવાની ક્ષમતા અદ્ભુત છે. તે ત્રીજા ધોરણમાં પહોંચે તે પહેલા જ તેણે વૈદિક ગણિતનું લેવલ વન પાર કરી લીધું હતું. તેની પાસે ત્રિકોણમિતિ, કોમ્પ્યુટર કોડિંગ, ગણિતમાં એટલું બધું કૌશલ્ય છે કે જે કદાચ દુનિયામાં આ ઉંમરનું ભાગ્યે જ કોઇ બાળક જાણતું હશે. પૂર્વાંશે 27 માર્ચ 2021ના રોજ માત્ર સાડા ચાર વર્ષની ઉમરે પ્રથમ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આંખે પાટા બાંધીને 25 સેકન્ડમાં એક સ્થળના નામની સૌથી લાંબી જોડણી કહી દેખાડી. આ જગ્યા ન્યૂઝીલેન્ડની એક પહાડી છે. તેણે પ્રથમ રેકોર્ડના 16 દિવસમાં જ બીજો રેકોર્ડ બનાવ્યો હતો. જોયા વગર માત્ર 41 સેકન્ડમાં 1થી 10 સુધીનું રિવર્સ ગુણાકાર કોષ્ટક યાદ રાખ્યું. બીજા દિવસે તેણે ન્યુઝીલેન્ડની આ જ ટેકરીનું નામ માત્ર 13 સેકન્ડમાં વાંચીને રેકોર્ડ કર્યો હતો.
કાકા-કાકી આઇઆઇએમ-અમદાવાદના પાસઆઉટ
પૂર્વાંશના કાકી ડો. રિંકુ અગ્રવાલ સીએ, સીએસ અને સીએફએ કર્યા પછી સ્ટાર્ટઅપ ચલાવી રહ્યાં છે. તેઓ કહે છે કે પૂર્વાંશે અઢી વર્ષ સુધી કંઇ જ બોલતો નહોતો. એક દિવસ તેને એબીસીડી શીખવવાનો પ્રયત્ન કર્યો ને બે દિવસમાં તો તેણે આખી એબીસીડી અને 10 આંકડા જોયા વગર યાદ કરી લીધા. તે દિવસે, પૂર્વાંશના માતા મોનિકા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપક અરોરાને સમજાયું કે તેમના પુત્રની યાદશક્તિ અદ્ભુત છે.