ઓમકારેશ્વરઃ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આશરે 2100 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ પ્રોજેક્ટમાં એકાત્મ ધામ (સ્ટેચ્યુ ઓફ વનનેસ) હેઠળ અષ્ટધાતુથી તૈયાર આદિ શંકરાચાર્યની પ્રતિમા સ્થાપિત કરાઇ છે. આની સાથે જ અદ્વૈતલોક નામથી એક સંગ્રહાલય અને આચાર્ય શંકર આંતરરાષ્ટ્રીય અદ્વૈત વેદાંત સંસ્થાનું પણ નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી ચૌહાણે પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યારે 5000થી વધુ સાધુસંતો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
આદિ શંકરાચાર્યનું જ્ઞાનસ્થળ
ઓમકારેશ્વર આદિ શંકરાચાર્યનું જ્ઞાનસ્થળ હોવાથી તેમની ભવ્ય પ્રતિમા અહીં સ્થાપિત કરાઇ છે. ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા ઓમકારેશ્વર મંદિરોના શહેર તરીકે વિશ્વખ્યાત છે. ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઓમકારેશ્વરમાં આવેલું છે.