ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતી રોસ એન બોલારની નામની ૬૦ વર્ષની મહિલાએ પોતાની લાખો ડોલરની સંપત્તિ તેમના પાળતું ડોગીના નામે કરવાની વસિયત બનાવડાવી છે.
મહિલાની સંપત્તિમાં જ્વેલરી, ટ્રસ્ટ ફન્ડ અને એક વેકેશન હોમનો સમાવેશ થાય છે. બેલા મિઆ નામની ત્રણ વર્ષની ડોગીને રોસે ખૂબ પેમ્પર કરીને રાખી છે. જોકે આ ડોગી પણ અનેક લોકોને મદદ કરવામાં જ વ્યસ્ત રહી છે. નવાઈની વાત એ છે કે રોસના આવા વસિયતનામા માટે તેમને ૩૮ અને ૩૨ વર્ષના દીકરાઓને પણ કઈ વાંધો નથી. રોસનું કહેવું છે કે ‘મારા સંતાનો મોટાં થઈને તેમની જિંદગીમાં સેટલ થઈ ગયાં છે. હવે તેમને મારા પૈસાની જરૂર નથી. તેઓ જાણે છે કે આ ડોગીએ મને અને મારા હસબન્ડને કેટલી ખુશી આપી છે.’
બેલા મિઆ પણ એટલી સુંદર લાગે છે કે છેલ્લાં બે વર્ષથી તે ન્યૂ યોર્ક પેટ ફેશન શોમાં ફર્સ્ટ પ્રાઇઝ જીતતી આવી છે. આ ડોગી દર અઠવાડિયે અમુક નર્સિગ હોમ્સ અને હોસ્પિટલમાં ચેરિટી વર્ક માટે પણ જાય છે.