બાંસવાડાઃ રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કૃષ્ણાને જન્મથી હાથ-પગ નથી. જન્મસમયે તો ડોક્ટરોને તેના જીવવા અંગે પણ આશંકા હતી, પણ કૃષ્ણા જેનું નામ. ડોક્ટરોની આશંકાને ખોટી ઠરાવીને હાલ તે - શારીરિક અક્ષમતા છતાં - ખુશહાલ જીવન જીવી રહ્યો છે. આજે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. કોણીની મદદથી લખે છે અને ઘૂંટણમાં ચપ્પલ પહેરીને ચાલે છે. ક્યારેય પણ સ્કૂલમાં રજા પાડતો નથી. ક્લાસનો સૌથી હોંશિયાર વિદ્યાર્થી કૃષ્ણા મોટો થઈને શિક્ષક બનવા માગે છે. એટલું જ નહીં, કોણીની મદદથી બેટ પકડીને ક્રિકેટ પણ ૨મી શકે છે!
કૃષ્ણા જેમ-જેમ મોટો થતો ગયો તેમ તેનો સંઘર્ષ પણ વધતો ગયો. નાનકડા કૃષ્ણાના આત્મવિશ્વાસ અને ઝનૂનને તેની દિવ્યાંગતા રોકી શકી નહીં. કૃષ્ણાએ ઘૂંટણથી જ ચાલવાનું શરૂ કર્યું. 4 વર્ષનો થયા બાદ સ્કૂલે જવા લાગ્યો. 5 વર્ષનો હતો ત્યારે માતાનું નિધન થયું. દાદાજી તેને ઘરથી બે કિમીના અંતરે આવેલી સ્કૂલે મૂકવા માટે જાય છે, અને સ્કૂલેથી છુટ્યા બાદ તે ચાલતો ઘરે પરત પહોંચે છે.
કૃષ્ણાના પિતા પ્રભુલાલ મઇડા શ્રમિક તરીકે પરિવારનો નિર્વાહ કરે છે. જોકે કપરા સંજોગો છતાં જીવન પ્રત્યે તેમને કોઇ ફરિયાદ નથી. પ્રભુલાલ કહે છે કે દીકરાનું સ્મિત એટલું પ્રેમાળ હતું કે દિવ્યાંગતાના દુઃખ ભુલાવી દીધાં એથી તેનું નામ કૃષ્ણા રાખ્યું છે.