શ્રીનગરઃ કોઇ પણ વ્યક્તિએ ક્રિકેટમાં કૌવત દેખાડવું હોય તો કાંડામાં કૌવત હોવું જરૂરી છે. આ નિયમ બધાને લાગુ પડે છે, સિવાય કે કાશ્મીરના અનંતનાગમાં વસતા આમીરને.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગનો ૨૬ વર્ષનો યુવાન બેમાંથી એક પણ હાથ ન હોવા છતાં આરામથી ક્રિકેટ રમે છે. નાનપણથી જ તેને ક્રિકેટ રમત પ્રત્યે એટલો બધો લગાવ છે કે તેને એક અકસ્માતમાં હાથ ગુમાવવા પડયા હોવા છતાં આત્મવિશ્વાસ અને પ્રબળ ઇચ્છાશકિતના જોર પર કાંડા વગર પણ બેટ વિંઝે છે. બેટને ખભા અને ગળા વચ્ચે ફસાવીને ક્રિકેટમાં અઘરા ગણાતા શોટ્સ તે સરળતાથી ફટકારી શકે છે. આ દૃશ્ય જોઇને લોકો દંગ રહી જાય છે. આમીર માત્ર બેટિંગ જ નહીં, ફિલ્ડીંગ સાઇટ પર પગ વડે બોલ રોકીને રન બચાવે છે.
જોકે સૌથી નવાઇની વાત તો એ છે કે પગની આંગળીઓ વચ્ચે ક્રિકેટ બોલને પકડીને સ્પિન બોલિંગ પણ કરી શકે છે. ૧૨મી સુધી અભ્યાસ કરનારા આમીરે પોતાના પગને જ હાથ બનાવી લીધા છે. તેના વડે તે પેન્ટીંગ દોરે છે, દાઢી કરે છે, ન્હાય છે અને કપડા પણ પહેરે છે. આમ તે લગભગ તમામ કામો જાતે કરે છે.
આમીરના પિતા બશીર અહેમદ ક્રિકેટના બેટ બનાવવાનું કામ કરતા હતા. આમીર ૮ વર્ષનો હતો ત્યારે લાકડું કાપવાના મશીનમાં બંને હાથ આવી જતા બંને હાથ કપાવવા પડયા હતા. પિતાએ પુત્ર આમીરના હાથ બચાવવા માટે કોઇ જ કસર છોડી નહી. તેમ છતાં તેમને નિરાશા હાથ લાગી હતી.
જોકે હાથ ગુમાવ્યા પછી હોસ્પિટલમાંથી બહાર આવેલો આમીર જરાં પણ નિરાશ થયો ન હતો. તેને જરા પણ વિચલિત થવાના બદલે જીવનને નવેસરથી જીવવાનો સંકલ્પ કર્યો. જીવન જીવવાના આ ઝનૂનના કારણે જ તે ગમેતેવા પડકારોનો સામનો કરીને ક્રિકેટર બની શકયો છે. તે માત્ર ખેલાડી જ નહીં, પણ કાશ્મીરની એક ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ છે. આમીરે સાબિત કર્યું છે કે આત્મવિશ્વાસ એવી ચીજ છે જે વ્યક્તિ પાસે હોય તો તેના વડે કશું જ અશકય નથી.