આસામના ચરાઈદેવ જિલ્લામાં આવેલાં છ સદી પુરાણા મોઈદમ ‘ભારતનાં પિરામિડ’ તરીકે જાણીતાં છે. અહોમ રાજાઓનું આ સમાધિસ્થળ ‘અહોમ મોઈદમ’ કે ‘મૈદામ’ તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થયેલી ટેકરા જેવી આ રચનામાં અહોમ શાસકોને તેમની પ્રિય વસ્તુઓ સાથે સમાધિ અપાતી હતી. ‘મોઈદમ’ અહોમ સામ્રાજ્યના તમામ રાજાઓ અને શાસકો માટે એક સન્માન તરીકે જોવામાં આવે છે. અહીં તાઈ-અહોમ સામ્રાજ્યના શાસકોને સમાધિ અપાતી હતી. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે. પૂર્વોત્તર ભારતમાં પ્રથમવાર કોઈ ધરોહરને યુનેસ્કો લિસ્ટમાં સ્થાન મળ્યું છે.