આસામના તિનસુકિયા જિલ્લામાં પક્ષી નિષ્ણાતોના ધ્યાને મંદારિન બતક નામનું પક્ષી આવ્યું. જોકે પહેલી નજરે તો આ વાત માન્યામાં જ આવી કેમ કે એક સદીથી મંદારિન ડક અહીં જોવા મળ્યું ન હતું. મૂળે તો એ ઇસ્ટ એશિયાનું વતની અને યુરોપ તરફ આવન-જાવન કરનારું આ પછી છેલ્લે આસામમાં ૧૯૦૨માં જોવા મળ્યાનું પક્ષીવિદોએ નોંધ્યું હતું. આથી પક્ષી નિષ્ણાતોને જાણકારી મળી એ સાથે સૌ કોઈ તેની તપાસમાં લાગી પડ્યા. આસામના જ નહીં, મહારાષ્ટ્ર, દિલ્હીથી પણ પક્ષીપ્રેમીઓ જગતના આ સૌથી સુંદર પક્ષીના દર્શન કરવા તિનસુકિયા જિલ્લામાં આવી રહ્યા છે, તો વળી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓએ પણ આ પક્ષીની ઓળખ-પિછાન કરી ચૂકી છે. આસામ આ પક્ષીના રસ્તામાં (ફ્લાઇંગ રૂટમાં) આવતું નથી, એટલે તે અહીં કેમ આવી ચડ્યું એ મુદ્દો પણ એક સદી પછી સંશોધકો માટે તપાસનો વિષય બન્યો છે. ૧૭૫૮માં આ પક્ષીની પહેલીવાર ઓળખ સ્વીડનના પક્ષીશાસ્ત્રી કાર્લ લિનિઅસે કરી હતી. આ પક્ષીનો દેખાવ અત્યંત સુંદર હોવાથી તેને મોસ્ટ બ્યુટિફૂલ ડકની ઓળખ મળી છે. તેનો કલરફૂલ દેખાવ દૂરથી જ તેને ઓળખાવી દે છે. પાબ્લો પિકાસો કે પછી રેમ્બ્રાં, વાન ગોગ કે લિઓનાર્દો વિન્ચી... જગતમાં યાદગાર ચિત્રકારો તો ઘણા છે, પણ સૌથી મોટો ચિત્રકાર કુદરત પોતે છે. તેની પાસે કલરના વૈવિધ્યનો પાર નથી અને તેની કળાસૂઝનો કાઈ જવાબ નથી. કુદરતની અસાધારણ કલા-કારીગરીનો સર્વોત્તમ નમૂનો છે આ અત્યંત સુંદર બતક.