નાગોરઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીની ઉજવણીમાં મિઠાઇ અને ફટાકડાનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ રાજસ્થાનમાં એક એવું અનોખું ગામ છે જયાં લોકો એકબીજા પર અબીલગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. આ પર્વે અબીલગુલાલની છોળો ઉડતી હોવાથી દિવાળીએ ધૂળેટી જેવો માહોલ સર્જાય છે. આ અનોખા ગામનું નામ ઇનાણા છે, જે નાગોર જિલ્લામાં આવેલું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2013થી ઇનાણા ગામમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાત એમ હતી કે દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડાનો તણખો ખેતરમાં પાકી થયેલી ફસલ કે ઘાસના પૂળાના ઢગલા પર પડવાનો ખતરો રહેતો હતો. કયારેક આગ લાગતી ત્યારે ગામ લોકોએ દોડાદોડી કરવી પડતી હતી. ખેતરના પાકને બળતો અટકાવવા માટે છેલ્લા 10 વર્ષથી ગામ લોકો ફટાકડા ફોડતા નથી. ગામને વિવિધ સરકારી યોજનાઓના અમલના લીધે આદર્શ ગામનો પુરસ્કાર પણ મળ્યો છે.
વળી, ગામલોકો પર્યાવરણપ્રેમી છે. તેઓ અગાઉ પણ આતશબાજી દરમિયાન વધુ પડતું વાયુ પ્રદૂષણ કે ધ્વની પ્રદૂષણ ફેલાય નહીં તે માટે વિશેષ કાળજી લેતા હતા. આથી સહુકોઇએ દસ વર્ષ પૂર્વે ચર્ચાવિચારણના અંતે ફટાકડ ફોડવા પર જ સ્વૈચ્છિક પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો. તો પછી દિવાળીની ઉમંગઉલ્લાસભેર ઉજવણી કરવી કઇ રીતે? લોકોએ ઉજવણીનો બીજો વિકલ્પ શોધી કાઢ્યો. આ માટે ફટાકડાના સ્થાને તેઓ એકબીજા પર અબીલગુલાલ છાંટીને દિવાળી ઉજવે છે. ભેદભાવો ભૂલીને ભાઇચારાથી બધા એકબીજાને ભેટે છે.
ગામના વડીલોના જણાવ્યા અનુસાર ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેનું સૌ ગ્રામજનો સ્વેચ્છાએ પાલન કરે છે. લોકો દિવાળીના પાંચ દિવસ ઘરે ઘરે દીવા પ્રગટાવે છે. અમાસમાં દિવાઓનું એક સાથે થતું અજવાળું અને અબીલગુલાલ દિવાળીને રંગીન બનાવી દે છે.