સાન જોસઃ અમેરિકામાં આઇફોન-૧૦ લગભગ ૬૫ હજાર રૂપિયામાં ખરીદી શકાય છે, પણ એની આદતમાં છૂટકારો મેળવા માટે લગભગ ૨૬ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. આ રકમ અંદાજે ૪૦ ગણી થાય છે. સિલિકોન વેલીમાં દિગ્ગજ કંપનીઓ ફેસબુક, ટ્વિટર, એપલ અને ગૂગલની આસપાસ આવા ડઝનેક ક્લિનિક ખૂલ્યા છે, જે મોબાઈલ ફોનની લત છોડાવવાનું કામ કરે છે. દર્દી અહીં પોતાનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે છે. તેને અનેક પ્રકારની થેરપી આપવામાં આવે છે.
તો સાથોસાથ શારીરિક કસરતો પણ કરાવવામાં આવે છે. અહીં તેમની સ્કિલનો વિકાસ કરવામાં આવે છે. તો અહીં યોગ અને અધ્યાત્મના વર્ગો પણ ચાલે છે.
આ ક્લિનિક તે યુવાનોના ઇલાજ માટે ખોલવામામાં આવ્યાં છે, જેઓ દિવસના ૨૦-૨૦ કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. આ લોકો માટે મોબાઇલ કે ઇન્ટરનેટના વપરાશનું વળગણ ડ્રગ્સ કરતાં લેશમાત્ર ઓછું નથી. ઇન્ટરનેટની લતનો ભોગ બનેલી વ્યક્તિ ઘણા કિસ્સામાં તો આખી આખી રાત ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ જેવી સોશ્યલ સાઇટ્સ પર પસાર કરે છે. આ લોકો સવારે પથારીમાંથી ઉઠી શકતા નથી કે કામે જઇ શકતા નથી. અપૂરતી ઊંઘના કારણે તેઓ પોતાના કામ કે અભ્યાસમાં પણ ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી.
ક્લિનિકનો ખર્ચ
સાન ફ્રાન્સિસ્કોથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે એક મેન્સનમાં આવું જ એક ક્લિનિક ખોલવામાં આવ્યું છે. પર્વતના સૌથી ઊંચા શિખર પર લીલીછમ વનરાજી વચ્ચે સ્થાપિત આ ક્લિનિકમાં યુવાનોનો ૪૫ દિવસ સુધી ઇલાજ કરવામાં આવે છે.
ક્લિનિકનો ખર્ચ સેવાઓ આધારિત
અહીં દર્દીઓ પાસેથી તેઓ જે પ્રકારની સેવા લે છે તે પ્રમાણે ચાર્જ વસૂલવામાં આવે છે. જેમ કે, દર્દી લક્ઝરી લોન્જ અને હોટ ટબની સુવિધા લે તો અહીં એક રાત વિતાવવાનો ખર્ચ એક લાખ રૂપિયાની આસપાસ થશે. ક્લિનિકમાં દર્દી માટે લકઝરી રૂમો છે, જ્યાંથી તેઓ સમુદ્રની ઝલક જોઈ શકે છે. એક રૂમમાં ત્રણ પલંગ અને બારીઓ હોય છે. અહીં દર્દીના પરિવારને પણ રાખવામાં આવે છે. જેથી તેમની વચ્ચેનો નાતો ઘનિષ્ઠ બને. મેન્શનની અંદર - સ્વાભાવિક છે કે - મોબાઈલ ફોન, લેપટોપ અને ટેબ્લેટના વપરાશ પર પ્રતિબંધ છે. અહીં કમ્પ્યૂટરનો ઉપયોગ ફક્ત કલાસરૂમમાં થાય છે.
અમેરિકામાં આ બીમારી નથી
અહીં દર્દીઓને સ્પેશિયલ થેરપી આપવામાં આવે છે. જેથી તેમની ઇન્ટરનેટની આદત છોડવી શકાય અને તેઓ અભ્યાસ, પરિવાર, મિત્રો તેમજ ઇન્ટરનેટ સાથે સંકળાયેલા ન હોય તેવા કામ પર વધુ સમય આપી શકે. ઓસ્ટ્રેલિયા, ચીન, ઇટાલી અને જાપાન ઇન્ટરનેટની લતને બીમારી માને છે, પરંતુ અમેરિકામાં ઇન્ટરનેટની લતને બીમારી ગણવામાં આવતી નથી. દક્ષિણ કોરિયામાં આનો ઇલાજ સરકારી હોસ્પિટલોમાં થાય છે.