લંડનઃ પેરિશ કાઉન્સિલના ચેરમેન ૫૬ વર્ષીય એન્થની ગેબોટે પોતાના આલ્સેશિયન પપ્પી ‘ડૌગી’ને બચાવવા માટે તેના પર હુમલો કરી રહેલા બે સ્ટેફર્ડશાયર બુલ ટેરીયર ડોગ પૈકી એકના કાને બચકું ભરી લીધું હોવાની આશ્ચર્યજનક ઘટના બની હતી.
ચેશાયરના નટ્સફોર્ડ નજીક પ્લમલીમાં ગયા વર્ષે જૂનમાં બનેલી આ ઘટનામાં ગેબોટે બન્ને ડોગને દૂર કરવા તેમને મુક્કા મારતા તેમના જમણા હાથનુ હાડકું તૂટી ગયું હતું. ચેસ્ટર ક્રાઉન કોર્ટે સમક્ષ રજૂઆતમાં જણાવાયું હતું કે ૪૨ વર્ષીય સારા સધર્ને બન્ને ડોગનું મોઢું બાધી રાખવાના કોર્ટના આદેશની અવગણના કરી હતી અને ડૌગી પર થતા હુમલાને તે પ્રેક્ષકની માફક જોઈ રહી હતી. સારાએ ડોગની માલિક હોવાનું જણાવીને એક ડોગ અંકુશમાં રહેતો ન હોવાનું અને લોકોને ઈજા પહોંચાડતો હોવાનું સ્વીકાર્યું હતું. કોર્ટે સારાને ૧૨ મહિનાની બે વર્ષ સુધી સસ્પેન્ડેડ જેલની સજા ફરમાવી હતી. કોર્ટે તેમને ૧,૮૨૮ પાઉન્ડનું વેટ બીલ તેમજ ગેબોટને વળતર પેટે ૭૫૦ પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. વધુમાં, કોર્ટે સારાને આજીવન ડોગ રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બન્ને ટેરિયર્સ નવા માલિકને સોંપી દેવાયા હોવાનું મનાય છે.