મેડ્રિડ (સ્પેન)ઃ શાળાકીય દિવસોમાં નટખટ બાળકોને બ્લેકબોર્ડ પર કે પછી નોટબુકમાં ૧૦, ૨૦ કે પછી ૫૦ વાર એવું લખવાની સજા આપવામાં આવે છે કે ‘આઇ એમ સોરી, હવે પછી હું કોઇ ખોટું કામ નહીં કરું.’ જોકે સ્પેનમાં એક જજે આવી સજા આરોપીને કરી છે. હાઇ કોર્ટ જજે બદનક્ષીના એક કેસમાં આરોપી બિઝનેસમેનને આવી સજા ફટકારી છે.
રસપ્રદ વાત એ છે કે આરોપીને એક મહિના સુધી ટિ્વટર પર આવું માફીનામું લખવાની સજા કરાઇ છે. ટ્વિટર પર જ કેમ? ટિ્વટર પર એટલા માટે કે આરોપી છેલ્લા બે વર્ષથી હરીફ કંપની અને કંપનીના પ્રવક્તા વિરુદ્ધ ખોટી ખોટી ટિ્વટ કર્યા કરતો હતો.
આ કેસની શરૂઆત ૨૦૧૩માં થઇ હતી. મેડ્રિડના રુબેન શૈજ્જ એક કન્ઝયુમર રાઇટ્સ જૂથમાં પ્રવક્તા છે. લુઇસ પિનેડો પણ આવા જ એક ગ્રૂપના માલિક છે. બંને વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. રુબેનની કંપનીને વધુ કેસ મળી રહ્યા હતા. આથી ચીઢાઇને લુઇસે ટિ્વટર પર રુબેન અને તેની કંપની વિરુદ્ધ આડાઅવળી વાતો લખવાની શરૂઆત કરી હતી. રુબેન વિરુદ્ધ મનઘડંત આરોપો પણ લગાવ્યા. લુઇસે આ બધું પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી કર્યું હતું.
આ બધાથી કંટાળેલા રુબેન અને તેમની કંપનીએ લુઇસ વિરુદ્ધ નીચલી અદાલતમાં બદનક્ષીનો કેસ ઠોકી દીધો. અદાલતના કહેવા છતાં લુઇસ માફી માંગવા તૈયાર ના થતા કેસ હાઇ કોર્ટ સુધી પહોંચ્યો. છેવટે ૧૧ સપ્ટેમ્બરના રોજ જજે લુઇસને આરોપી જાહેર કરતાં ચુકાદો આપ્યો કે ‘આરોપીએ હરીફ કંપની અને તેના કર્મચારી વિરુદ્ધ સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કર્યો છે. આથી સજા તરીકે લુઇસને સ્પેનના પિકઅવર્સ અર્થાત સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતે ૧૦ વાગ્યા સુધી અનેકવાર માફીપત્ર ટિ્વટ કરવા ફરમાવાયું છે. તે ટિ્વટ સાથે અદાલત અને રુબેનના ટિ્વટ એકાઉન્ટને પણ સાંકળાયેલા રાખવા પડશે.’ કોર્ટે આ ઉપરાંત લુઇસને ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવા પણ ફરમાવ્યું છે.
લુઇસનું માફીનામું...
‘હું લુઇસ (ડાબે), રુબેન (જમણે) વિષે જે ટ્વિટ કરતો હતો તે તમામ જૂઠી અને ઉપજાવી કાઢેલી હતી. આઇ એમ સોરી, હવે પછી હું આવું કદી નહીં કરુ.’