ચુરુઃ વસ્તીની દૃષ્ટીએ નાના મોટા ગામ તો અનેક હોય છે, પરંતુ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા શ્યામપાંડિયા નામના એક ગામમાં માત્ર એક જ વ્યકિત રહે છે. આ ગામની સરકારી ઓફિસે પણ એક માણસના ગામ તરીકે નોંધણી થયેલી છે. દર ૧૦ વર્ષે થતી વસ્તી ગણતરી મુજબ ૨૦૧૧માં વસ્તી ગણતરી કરનારા અધિકારીઓ આ ગામમાં ગયા ત્યારે તેમને ખૂબજ નવાઇ લાગી હતી.
શ્યામપાંડિયા ગામમાં જ્ઞાનદાસ નામનો માણસ રહે છે જે પ્રાચીન શ્યામ મંદિરની પૂજા કરે છે. એ સિવાય એક પણ માણસ ગામમાં રહેતો નથી. આ પૂજારીને લખતા વાંચતા આવડતું હોવાથી ગામનો સાક્ષરતા દર ૧૦૦ ટકા લખવામાં આવે છે. તેઓ મંદિર પાસેની ઝૂંપડીમાં રહે છે. આ ગામ ચુરુ જિલ્લાના તારાનગર તાલુકામાં નેઠવા ગ્રામની જૂથ પંચાયતમાં આવે છે. આ ગામમાં ૫૨૧ વિઘા સરકારી જમીન છે જયારે દોઢ વિઘા જમીન લોકોના વસવાટ માટે ફાળવવામાં આવી છે. જોકે આ ગામમાં પહેલથી જ કોઇ રહેવા આવ્યું નહીં. માત્ર જૂનું મંદિર હોવાથી પૂજારી જ અહીં રહે છે.
મંદિરના પૂજારી આજુબાજુના ગામ જઇને અનાજ તથા સામગ્રી લઇ આવે છે. દિવસ દરમિયાન આજુબાજુથી પસાર થતા લોકો તથા મંદિરમાં દર્શન માટે આવતા ભકતો પૂજારીને બોલાવતા રહે છે જયારે રાત પડે ત્યારે તેઓ એકલા પડી જાય છે. જોકે તેમને એકલા રહેવાની આદત પડી ગઇ છે. મંદિરમાં ભાદરવા મહિનાની અમાસે મોટો મેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુથી લોકો ઉમટી પડે છે. શા માટે આ ગામમાં કોઇ રહેતું નથી તેની પાછળ કોઇ ચોકકસ કારણ પણ જાણવા મળતું નથી જયારે શ્યામપાંડિયાથી થોડે દૂર આવેલું સાહબા ગામ ૧૪ હજારની વસ્તી ધરાવે છે.