લંડનઃ બ્રિટનમાં હાથનાં કર્યાં, હૈયે વાગ્યાં કહેવતનો યથાર્થ પુરવાર થતી જોવા મળી છે. એક વ્યક્તિને કમ્પ્યૂટરનાં સર્વરમાં એન્ટર કરેલા ખોટા કોડની ભારે મોટી કિંમત ચૂકવવી પડી છે. આ ભૂલથી તેની કંપનીનું તો નામોનિશાન મટી જ ગયું, પણ આ ભૂલની કિંમત તેના ક્લાયન્ટસે પણ ચૂકવવી પડી છે.
માર્કો માર્સલાએ સર્વરમાં ખોટો કોડ નાખી દેતાં તેની કંપની સહિત તમામ કલાયન્ટ્સની વેબસાઇટ નષ્ટ થઈ ગઈ છે. માર્કો એક વેબ હોસ્ટિંગ કંપની ચલાવતો હતો. તેની કંપની પાસે ૧૫૩૫ ગ્રાહકો હતા. ધમધોકાર કામકાજ ચાલતું હતું. માર્કો તેના ક્લાયન્ટ્સ અને તેમનાં સર્વરોની દેખરેખ કરી રહ્યો હતો, જેના પર ક્લાયન્ટ્સની ફાઇલો સુરક્ષિત રહેતી હતી.
તાજેતરમાં માર્કોએ સર્વર-નિષ્ણાતોના એક પ્લેટફોર્મ પર ફોલ્ટ અંગે લખ્યું, પણ થોડી વારમાં જ તે સ્તબ્ધ થઈ ગયો કેમ કે તેણે પોતાનાં જ કમ્પ્યૂટરના ડેટા સાથે તમામ ક્લાયન્ટ્સની વેબસાઇટનું અસ્તિત્વ મિટાવી દેતો કોડ નાખી દીધો હતો. તેણે આરએમઆરએફ કોડ લખ્યો હતો, જેણે બધું ડિલિટ કરી નાખ્યું. અધૂરામાં પૂરું, તેણે ડેટા ડિલિટ કરતાં પહેલાં ચેતવણી ઉચ્ચારતી સિસ્ટમ પણ શરતચૂકથી બંધ કરી નાખી હતી. માર્કો કહે છે કે, ભૂલથી લખી નંખાયેલા કોડને કારણે તમામ બેકઅપ નષ્ટ થઈ ગયો છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, તેની એક ભૂલને કારણે કંપની અને ક્લાયન્ટ્સનો ડેટા નષ્ટ થઈ ગયો અને કંપની ડૂબી ગઈ.