હેલસિંકીઃ પરમાણુ કચરાનો નિકાલ કરવો એ આખા જગત માટે બહુ મોટી સમસ્યા છે. કેમ કે ન્યૂક્લિયર વેસ્ટનું આયુષ્ય લાખો વર્ષનું હોય છે. એ દરમિયાન તેમાંથી રેડિયેશન સતત નીકળતું જ રહે અને એ રેડિયેશન બધા માટે બહુ નુકસાનકારક છે. જોકે હવે પ્રથમ વાર યુરોપિયન દેશ ફિનલેન્ડે પરમાણુ કચરાને કાયમી ધોરણે થાળે પાડવા માટે જગતની સૌથી મોટી અને મોંઘી કબર તૈયાર કરી છે. ઓન્કાલો નામનો આ પ્લાન્ટ તૈયાર કરવા માટે ફિનિશ સરકારે ૫૩ અબજ ડોલરનું તોતિંગ બજેટ ફાળવ્યું છે. અત્યારે ત્રણ તબક્કાનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સંપૂર્ણ ટનલ ૨૦૨૦માં પૂરી થશે.
ન્યૂક્લિયર વેસ્ટનો કોઈ ઉપાય નથી
ફિનલેન્ડના દક્ષિણ ભાગે આવેલા યુરોજોકી વિસ્તારમાં ભૂગર્ભમાં ૧૩૮૦ ફીટ નીચે આ ટનલ બનાવાઈ છે. પરમાણુ કચરો ગમે ત્યાં ઠાલવી શકાતો નથી. દુનિયાના કોઈ દેશ પાસે ન્યુક્લિયર વેસ્ટનો કાયમી ઉપાય નથી. જગતમાં ૧૯૫૦ના દાયકાથી પરમાણુ પ્લાન્ટો કાર્યરત છે અને હાલ દુનિયાની જરૂર પૈકીની ૧૧ ટકા ઊર્જા પરમાણુ દ્વારા આવે છે. એ પ્લાન્ટ્સમાંથી નીકળતો રેડિયો એક્ટિવ કચરો ક્યાં નાખવો તેનો કોઈ ઉપાય નથી. ભૂગર્ભમાં એ કચરો જમીન દુષિત કરી શકે, પાણીમાં જળ પ્રદૂષણ ફેલાવે, ખુલ્લામાં એર પોલ્યુશન ફેલાવે.
૨૦૨૦થી ૨૧૨૦ સુધી ઓપન
મોટા ભાગના દેશો અત્યારે ન્યુક્લિયર વેસ્ટને કામચલાઉ ધોરણે સિલબંધ પીપડાઓમાં બંધ કરીને નિર્જન સ્થળે દાટી દેવાનું પસંદ કરે છે. ફિનલેન્ડે તેનો કાયમી તો નહીં, પણ લાંબાગાળાનો કહી શકાય એવો ઉપાય શોધ્યો છે. કેમ કે આ ભૂગર્ભ બંકરમાં ૧ લાખ વર્ષ સુધી કચરો સાચવી શકાય એવી વ્યવસ્થા છે. અલબત્ત, બંકર હજુ તો બની રહ્યું છે. ૨૦૨૦માં તેમાં કચરો ઠાલવાનું શરૂ થશે અને છેક ૨૧૨૦ની સાલ સુધી કચરો નાંખી શકાશે. એ પછી બંકરને માટી પૂરીને કાયમી ધોરણે બંધ કરી દેવાશે.
૪૨ કિલોમીટરની ભૂગર્ભજાળ
ફિનલેન્ડે ૩૦ વર્ષ સુધી શોધખોળ કર્યા પછી બંકરની જગ્યા પસંદ કરી હતી. કેમ કે બંકર એવી જગ્યાએ બનાવું પડે, જે ભવિષ્માં કોઈને નડે નહીં કે ભૂકંપ-ત્સુનામી જેવી કુદરતી આફતો વખતે પણ સલામત રહે. ઓન્લાકો સ્પેન્ટ ન્યુક્લિયર ફ્યુલ રિપોઝિટરી નામનું આ બંકર બનાવાનું કામ ૨૦૦૪માં શરૂ થયું હતું. હાલ તેની લંબાઈ ૫ કિલોમીટર જેટલી જ છે. પરંતુ આખો પ્લાન્ટ તૈયાર થશે ત્યારે ટનલ કુલ ૪૨ કિલોમીટર લાંબી હશે.
રેડિયેશનપ્રૂફ એકથી વધુ પેકિંગ
ટનલમાં ગોઠવાનારો પરમાણુ કચરો એકથી વધુ પેકિંગમાં પેક કરાશે. ન્યુક્લિર રોડ્સને સૌથી પહેલાં લોખંડના નળાકારમાં પેક કરવામાં આવશે. એ પછી તેને તાંબાના પેકિંગમાં વીંટાળાશે અને પછી ટનલમાં ગોઠવી દેવાશે. દરેક નળાકારો વચ્ચે ખાસ પ્રકારની માટીનું પડ પણ ગોઠવાશે. ટનલનું આંતરિત વાતાવરણ પણ ઠંડુ અને સૂક્કું રહે એવી ગોઠવણ કરાઈ છે. જેથી રેડિયોએક્ટિવ મટિરિયલ લીક ન થઈ શકે.
એક લાખ વર્ષ પહેલાં અને પછી
એક લાખ વર્ષે સુધી નાનકડાં ટાપુમાં આ કચરો સચવાશે. એ પછી શું? તેનો જવાબ ફિનલેન્ડ સરકારે વિચાર્યો નથી. કેમ કે ત્યારે ક્યા પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ હશે તેની કલ્પના પણ થઈ શકે એમ નથી. એક લાખ વર્ષ પહેલાં આજે ફિનલેન્ડ એ જગ્યા બરફ આચ્છાદિત હતી અને નેધરલેન્ડનો ભાગ ગણાતી હતી. ત્યાં મનુષ્યોના પૂર્વજો નિએન્ડરથાલનો વસવાટ હતો.
કોઈ ચિહ્ન રહેવા નહીં દેવાય
જ્યારે ટનલ સંપૂર્ણપણે કચરાથી ભરી દેવાશે એ પછી તેમાં કોંક્રિટના થર વડે પુરાણ કરીને હતી એવી જમીન કરી દેવાશે. ઉપરથી જોતાં કોઈને ખ્યાલ પણ નહીં આવે કે અહીં ભૂગર્ભમાં હજારો ટન મોતનો સામાન ભર્યો છે. સામાન્ય રીતે આવી સાઈટો પર ચેતવણીના બોર્ડ મુકાય છે, પણ અહીં કોઈ સિગ્નલ રહેવા દેવાશે નહીં. તેનું કારણ સમજાવતાં ફિનલેન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, લોકોને જ્યાં જવાની મનાઈ હોય ત્યાં જવાનું પહેલાં મન થાય જેમ કે પિરામિડ બહાર તેમાં છેડછાડ ન કરવાની સૂચના છે. એટલે જ આપણી પિરામિડ અંગેની ઉત્સુકતા વધી છે અને અનેક જાતના ઉત્ખન્નનો કર્યાં છે, પણ જો ત્યાં કોઈ સૂચના જ ન હોત તો કોઈ તેમાં પ્રવેશ્યું જ ન હોત. એ રીતે આ સાઈટ પર કોઈ સૂચના નહીં હોય તો કોઈ તેને છંછેડશે પણ નહીં.