દિનપ્રતિદિન વધી રહેલા લગ્નવિચ્છેદના કિસ્સાથી પરેશાન લોકો માટે ચીનના મેરેજ બ્યૂરોએ સરળ ગોઠવણ કરી છે. મેરેજ બ્યૂરોએ ઓફર કરી છે કે જો કોઇની પત્ની તેને છૂટાછેડા આપી દે છે તો તેઓ બીજી પત્ની શોધવા માટે મદદ કરશે અને મનપસંદ યુવતી સાથે લગ્નની ગેરન્ટી પણ આપશે. વળી જાહેરાતમાં સ્પષ્ટ કરાયું છે કે યુવતી કુંવારી હશે.
શાંઘાઇ ડેલી અખબાર અનુસાર મરેજ બ્યૂરોએ સમગ્ર ચીનમાં આ પ્રકારની કેટલીય જાહેરાતો આપી છે. આ જાહેરાત પ્રમાણે, જેમના છૂટાછેડા થઇ ગયા છે કે પછી પહેલીવાર લગ્ન કરવા જઇ રહ્યા છે તેઓ ગેરેન્ટીની સાથે લગ્ન કરી શકે છે. જો એક વર્ષમાં તેમના લગ્નમાં ભંગાણ પડે તો બીજી વખત તેમના લગ્ન કરાવી અપાશે. આ માટે લગ્ન ઇચ્છુક વ્યક્તિએ ૨૦ લાખ રૂપિયા (૩૨ હજાર ડોલર) આપવા પડશે. વળી ખાસ વાત એ છે કે લગ્ન સંબંધી તમામ વ્યવસ્થા મેરેજ બ્યૂરો જ કરશે. આ ઓફર મર્યાદિત સમય એટલે કે ત્રણ મહિના માટે જ છે અને આ ઓફરની એક શરત એ પણ છે કે દુલ્હન ચીનની નહીં વિયેતનામની હશે. એમ કહેવાય છે કે વિયેતનામની યુવતી દુલ્હન તરીકે સીધી-સાદી અને ચીની દુલ્હન કરતા વધારે વફાદાર હોય છે. અહેવાલો મુજબ આ પ્રકારની જાહેરાત બાદ ચીનમાં મેરેજ બ્યૂરોમાં લગ્ન ઇચ્છુકોની લાંબી કતાર લાગી ગઇ છે.
ચીની યુવતીઓનું લગ્ન કરતાં કરિયર પર વધુ ધ્યાન
ચીનમાં યુવતીઓનું ધ્યાન લગ્ન પર ન હોઈને કરિયર પર વધારે હોય છે. આ કારણે તેઓ લગ્ન કરતી નથી કે પછી લગ્ન થયાના ટૂંક સમય બાદ છૂટાછેડા લેતી હોય છે. આ કારણથી મેરેજ બ્યૂરોએ ચીની યુવતીઓના આ પ્રકારના વલણથી કંટાળીને આવી સ્કીમ બહાર પાડી છે.