ચાંપાઃ છત્તીસગઢના એક ગામની હોસ્પિટલમાં દાખલ થયેલી બીમાર યુવતી સાથે લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને હોસ્પિટલમાં પહોંચી જતાં હિન્દી ફિલ્મોમાં જોવા મળતાં દૃશ્યો અહીં સર્જાયા હતા. અહીંના જાંજગીર-ચાંપા શહેરમાં તાજેતરમાં સંપન્ન થયેલા આ લગ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.
આ રસપ્રદ લગ્નની વિગતો અનુસાર, બૈજલપુર ગામની રશ્મિ નામની યુવતીના લગ્ન બાજુના ગામના રાજ ઉર્ફે બંટી નામના યુવક સાથે નક્કી થયાં હતાં. લગ્ન 20 એપ્રિલે યોજાવાના હતાં. લગ્નની કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી અને અન્ય તમામ તૈયારીઓ પણ કરી દેવાઈ હતી. જોકે આ દરમિયાન યુવતીની તબિયત અચાનક જ લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
હોસ્પિટલમાં તપાસ દરમિયાન રશ્મિના આંતરડામાં કાણું હોવાનું નિદાન થતાં જ તેના પરિવારના સભ્યોમાં ચિંતા ફરી વળી હતી. ડોક્ટરે જણાવ્યું કે જો રશ્મિની સારવારમાં વિલંબ કરાશે તો તેનાથી તેના જીવને જોખમ છે.
આથી રશ્મિના પરિવારે તેનું ઓપરેશન કરાવવા માટેનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન રશ્મિના પરિવારે બંટીના પરિવારને આ એકાએક આવી પડેલી સમસ્યા અંગે જાણ કરી હતી. બંટીના પરિવારે પણ પોતાની ભાવિ પુત્રવધુના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી હતી. જોકે બંને પરિવારો માટે લગ્નનું મૂહર્ત પાછું ઠેલવું શક્ય ના હોઈ તેમણે હોસ્પિટલમાં જ બંનેના લગ્ન કરાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જેને પગલે રશ્મિના લગ્નના પાંચ દિવસ અગાઉ જ તેનું સફળ ઓપરેશન કરાયું હતું.
20 એપ્રિલે બંટી તેના પરિવારજનો સહિત ધામધૂમથી વરઘોડો લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં હોસ્પિટલના પ્રાંગણમાં જ સંપૂર્ણ ધાર્મિક વિધિ અનુસાર બંનેના લગ્ન સંપન્ન કરાયા હતાં. લગ્નમાં હોસ્પિટલના કર્મચારીઓ, તબીબો ઉપરાંત દર્દીઓએ પણ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપ્યાં હતાં.
લગ્નની તારીખ પાછી નહીં ઠેલવા અંગેનું કારણ આપતા એક નજીકના સંબંધીએ જણાવ્યું હતું કે બંને પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી લગ્ન પાછાં ઠેલવું પોષાય તેમ નહોતું. છોકરીવાળાઓએ જણાવ્યું કે દીકરીના લગ્ન માટે જે પૈસા ભેગાં કર્યાં હતાં, તે તેની સારવારમાં વપરાઈ ગયા હતાં. આથી તેમણે વેવાઈને રજૂઆત કરતાં તેમણે હોસ્પિટલમાં લગ્ન કરવાની સહમતિ દાખવી હતી.