લંડનઃ આપણે સહુએ એક કરતાં વધુ વખત સાંભળ્યું છે કે અડગ મનના માણસો પહાડ જેવો અવરોધ પણ ઓળંગી જાય છે, પરંતુ આનું જીવતુંજાગતું ઉદાહરણ જોવું હોય તો મળો ટિફેની જોયનરને. બાલ્કનીમાંથી નીચે પડી જવાથી તેનો કમરથી નીચેનો ભાગ પેરેલાઈઝ્ડ થઈ ગયો. ડોકટરોએ કહી દીધું કે તે ચાલી પણ નહીં શકે, પરંતુ આજે તે મેરેથોન રનર અને યોગ ગુરુ છે. તે લાંબા અંતરની દોડમાં ભાગ લઈને ચેરિટી માટે પૈસા એકઠા કરે છે. અત્યાર સુધીમાં તે ૪૦ દેશોમાં હજારો લોકોને યોગ શીખવાડી ચૂકી છે.
વાત ૨૦૦૮ની છે. ટિફેની દુબઈ ફરવા માટે ગઈ હતી. એક હોટલની ૨૫ ફૂટ ઉંચી બાલ્કની પરથી નીચે પટકાઇ પડતાં કરોડરજ્જુના હાડકામાં ખૂબ નુકશાન થયું હતું. ડોક્ટરોએ કહ્યું હતું કે હવે તે ક્યારેય ચાલી કે હરીફરી શકશે નહીં. તેને હંમેશા પથારીમાં જ પડ્યા રહેવું પડશે. તે ૮૦ ટકા પેરેલાઈઝ્ડ થઈ ગઈ હતી.
જોકે ટિફેની આનાથી દુ:ખી ના થઈ. તેણે નબળાઈને પોતાના પર હાવી થવા દીધી નહીં. ઈજાગ્રસ્ત થયા પહેલા તેણે યોગ ટીચરનું સર્ટીફિકેટ લીધું હતું. તેથી ફરી યોગ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એક પર્સનલ ટ્રેનર પણ રાખ્યો. શરૂઆતમાં થોડીક સફળતા મળી. આથી ઉત્સાહિત ટિફેનીએ ટ્રેનર સાથે મળીને રિકવરી પ્લાન બનાવ્યો અને તેનું કડકાઈપૂર્વક પાલન કરવા લાગી.
દિવસમાં કેટલીક મિનિટો માટે ધરતી પર પગ માંડવાના અને ચાલવાના પ્રયાસ શરૂ કર્યા. ટિફેની સરખી રીતે ચાલી શકતી નહોતી. ડગમગી જતી હતી, પરંતુ હિંમત ના હારી. સહનશક્તિ વધારી. તેને યોગ કરવાથી ખૂબ ફાયદો થયો.
વ્હિલચેરના સ્થાને વોકરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને આજે તે એડીમાં સપોર્ટ માટે બ્રેસેસ લગાડીને ચાલે છે. વચ્ચે તેના પર ઘણી સર્જરી પણ થઈ. પગના હાડકાંમાં ઈન્ફેકશનના કારણે અંગૂઠા પણ કાપવા પડ્યાં હતાં. સ્પાઈનને સપોર્ટ કરવા માટે મેટલ રોડનો ઉપયોગ કર્યો હતો. ચાલવાનું ફાવી જતાં યોગાસન ઉપરાંત દોડવાના પ્રયાસ શરૂ કર્યા.
પહેલા ટૂંકા અંતરની દોડ શરૂ કરતા ધીમે ધીમે લાંબા અંતરની દોડ શરૂ કરી. તે કહે છે કે મારા જીવનનો ખૂબ અઘરો સમય હતો. મારું આખુ જીવન બદલાઇ ગયું હતું. તેને હું ક્યારે પણ ભૂલી શકીશ નહીં. યોગથી મને ખૂબ ફાયદો થયો હતો. જેના કારણે મેં એવા લોકોને યોગ શીખવાડવાનું શરૂ કર્યું, જેઓ મારા જેવા છે. આ માટે મેં સોશ્યલ મિડિયાનો ઉપયોગ કર્યો. આના દ્વારા લોકો સાથે જોડાઈ. અત્યાર સુધીમાં હું ૪૦ દેશોના લોકોને યોગ શીખવાડી ચૂકી છું. આમાંના મોટા ભાગના લોકો પેરેલાઈઝ્ડ હતાં.
ટિફેનીએ તાજેતરમાં ૧૦ કિલોમીટર લાંબી લંડન પેરેલલ રેસમાં ભાગ લીધો હતો. તેણે રોકાયા વગર રેસ ૨ કલાક ૨૧ મિનિટમાં પૂરી કરી. આ રેસ દરમિયાન તેને ચેરિટી માટે ૫ લાખ રૂપિયાથી વધારે નાણા એકઠા કર્યાં હતાં. આ ભંડોળનો ઉપયોગ તે કરોડરજ્જુને લગતા બીમાર લોકોની સારવાર માટે કરવા માગે છે.