એચસીએલના શિવ નાદરે પાછલા વર્ષે રોજ સરેરાશ રૂ. 3 કરોડનું દાન કર્યું

Sunday 13th November 2022 05:56 EST
 
 

નવી દિલ્હી: વિપ્રોના અઝીમ પ્રેમજી સૌથી વધારે દાન આપનારા અબજોપતિઓની યાદીમાં બીજા ક્રમ પર સરકી ગયા છે. એડલગીવ હુરુન ઈન્ડિયા પરોપકાર યાદી 2022માં એચસીએલના સ્થાપક શિવ નાદર દાન આપવાના મોરચે પ્રથમ ક્રમ પર પહોંચી ગયા છે.
નાણાકીય વર્ષ 2022 દરમિયાન તેમણે કુલ 1,161 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું એટલે કે, રોજ સરેરાશ ત્રણ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેની સરખામણીએ અઝીમ પ્રેમજીએ સમાન ગાળા દરમિયાન કુલ 484 કરોડનું દાન કર્યું હતું.
એશિયા અને ભારતના સૌથી મોટા ધનિક ગૌતમ અદાણીએ પાછલા વર્ષે દાન આપનારાની યાદીમાં સાતમા નંબર પર રહ્યા હતાં. તેમણે પાછલા વર્ષે કુલ 190 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પાછલા નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ. 411 કરોડનું દાન કર્યું હતું અને દાનવીરોની યાદીમાં તેમનો ક્રમ ત્રીજો રહ્યો હતો.
આ યાદીમાં ચોથા સ્થાન પર આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા રહ્યા હતાં તેમણે કુલ રૂ. 242 કરોડનં દાન કર્યું હતું. એડલગીવ હુરુનની સદીના પરોપકારીઓની યાદીમાં એકમાત્ર જીવંત ભારતીય દાનવીર તરીકે અઝીમ પ્રેમજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
માઇન્ડટ્રીના બાગચી પ્રથમ વાર ટોપ-10માં
પાંચમા નંબર પર માઇન્ડટ્રીના સુબ્રોતો બાગચી અને એન.એસ. પાર્થસારથિ હતાં. બન્નેએ આ ગાળા દરમિયાન 213-213 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. નોંધનીય છે કે આ બન્ને બિઝનેસમેન પ્રથમવાર ટોચના 10 દાનવીરોની યાદીમાં પહોંચ્યા છે. પાછલા વર્ષે આ યાદીમાં સામેલ 15 અમીરોએ રૂ. 100 કરોડથી વધુનું દાન કર્યું હતું. એ જ પ્રમાણે 20થી વધુ અમીરોએ રૂ. 50 કરોડથી વધુ અને 43 અમીરોએ 20 કરોડથી વધુ દાન કર્યું હતું.
મહિલાઓમાં રોહિણી
નિલેકણી સૌથી મોખરે
આ લિસ્ટમાં છ મહિલા પરોપકારીઓનો પણ સમાવેશ થાય છે. રૂ. 120 કરોડના દાન સાથે રોહિણી નિલેકણી મહિલાઓમાં સૌથી આગળ છે. લીના ગાંધી તિવારીએ રૂ. 21 કરોડ અને અનુ આગાએ રૂ. 20 કરોડનું દાન કર્યું હતું.
દાન આપવામાં મુંબઈના
અમીરો સૌથી આગળ
શહેરોની વાત કરીએ તો દાન આપવાના મોરચે મુંબઈના અમીરો સૌથી આગળ રહ્યા હતાં. દાન આપનારા ધનવાનોમાં 33 ટકા મુંબઈના, 16 ટકા દિલ્હીના અને 13 ટકા બેંગ્લુરુના હતાં. અન્ય પ્રોફેશનલ મેનેજર્સની વાત કરીએ તો તેમા પરોપકારી દંપતીની યાદીમાં એકમાત્ર અમિત ચંદ્ર, અર્ચના ચંદ્ર રૂ. 24 કરોડના દાન સાથે સમાવિષ્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter