હોબાર્ટઃ એન્ટાર્કટિકા ખંડના કાંઠે આવેલા રોસ સમુદ્ર અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારને જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. આ સમુદ્રનો વિસ્તાર ૧૫,૪૮,૮૧૩ ચોરસ કિલોમીટર જેટલો એટલે કે અડધા ભારત જેવડો છે. હજુ થોડા સમય પહેલા ઓગસ્ટમાં જ ઓબામાએ હવાઈ ટાપુ પાસેના દરિયાઈ વિસ્તારને જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક જાહેર કર્યો હતો. એ પાર્કનો વિસ્તાર ૧૫ લાખ ૧૦ હજાર ચોરસ કિલોમીટર જેટલો છે. ઓસ્ટ્રેલિયાના તાસ્માનિયામાં ભેગા થયેલા કમિશન ફોર ધ કન્ઝર્વેશન ઓફ એન્ટાર્કટિક મરિન લિવિંગ રિસોર્સના સભ્યોએ ૨૮મી ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી.
આ નેશનલ પાર્ક હકીકતે મરિન એટલે કે દરિયાઈ નેશનલ પાર્ક છે. પરંતુ જગતના સૌથી મોટા નેશનલ પાર્ક તરીકેનો વિક્રમ તેના નામે જ રહેશે. રશિયા સહિતના કેટલાક દેશો જે આ વિસ્તારમાં ડ્રિલિંગ કરવા ઈચ્છતા હતા તેમના વાંધાને કારણે જાહેરાત અટકેલી હતી. પરંતુ ન્યુઝિલેન્ડના આગ્રહને માન આપીને રશિયાએ પોતાનો વાંધો પડતો મુકતા છેવટે આ વિસ્તારને પાર્ક જાહેર કરાયો હતો. અહીં દરિયાઈ સૃષ્ટી અને દરિયાઈ સૃષ્ટિના વૈવિધ્યનો પાર નથી. લગભગ ૧૬ હજાર પ્રકારના સજીવો વસવાટ કરે છે. આ સમુદ્રી વિસ્તાર માનવિય ગતિવિધિઓથી અલિપ્ત છે. માટે તેને જગતનો ધ લાસ્ટ ઓશન પણ કહેવામાં આવે છે. પાર્ક જાહેર થયા પછી અહીં જે નાના પાયે માછીમારી થતી હતી એ પણ હવે બંધ કરી દેેવામાં આવશે.
આ વિસ્તારને પાર્ક જાહેર કરવાનો પ્રસ્તાવ અમેરિકા અને ન્યુઝિલેન્ડે મુક્યો હતો. પરંતુ ત્યારે ચીન અને રશિયા સહિત અમુક દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે કુલ મળીને ૨૪ દેશોના વિજ્ઞાનીઓ મળ્યાં હતા અને સહમતિથી આ નિર્ણય લીધો હતો. દરિયાઈ જીવ સંરક્ષણ ક્ષેત્રે આ અત્યંત મહત્ત્વનું પગલું છે. બ્રિટિશ સાહસિક જેમ્સ ક્લાર્ક રોસ સૌથી પહેલાં ૧૮૪૧માં આ વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે એન્ટાર્કટિકા પર કોઈ માનવ પહોંચ્યા ન હતા. માટે આ વિસ્તારને પાછળથી રોસનું નામ આપી રોસ સમુદ્રની ઓળખ આપવામાં આવી છે.
ઓગસ્ટમાં અમેરિકી સરકારે હવાઈ ટાપુ પાસેના પાપાહાનુમોકુઆકી મરિન નેશનલ મોન્યુમેન્ટ એવુ નામ ધરાવતા વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કર્યો હતો. ૧૫ લાખથી વધારે ચોરસ કિલોમીટરનો એ વિસ્તાર ત્યારે જગતનો સૌથી મોટો નેશનલ પાર્ક હતો. એ દરિયાઈ વિસ્તારમાં વ્હેલની ૨૪ વિવિધ પ્રજાતીઓ સાથે કુલ મળીને ૭ હજારથી વધુ પ્રકારના દરિયાઈ સજીવો રહે છે. અમેરિકાના વન્ય વિસ્તારોનું સંરક્ષણ કરતી નેશનલ પાર્ક સર્વિસની ૧૦૦મી જયંતિની ઉજવણી વખતે ઓબામાએ આ પાર્કની જાહેરાત કરી હતી. પાપાહાનુમોકુઆકી એ હવાઈ ભાષાનું નામ છે, જેનો મતલબ દરિયો, આકાશ, જમીન અને સ્થઆનિક લોકોનો સમુહ એ પ્રકારનો થાય છે. આ વિસ્તારનું મહત્ત્વ પારખીને યુનેસ્કોએ તો પહેલેથી જ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપી રાખ્યો છે. હવે એન્ટાર્કટિકાની જાહેરાતને કારણે આ પાર્ક બીજા નંબર પર આવી ગયો છે.